Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રૂડા દ્વારા કાલે મકાન લોન સબસીડી માટે માર્ગદર્શન મેળાનું આયોજન

સરકાર દ્વારા અપાતી ર.૬૭ લાખની સબસીડી કેવી રીતે મેળવવી તે અંગે અધિકારીઓ માહિતી આપશેઃ લાભાર્થીઓને જાહેર નિમંત્રણ

રાજકોટ તા.૧૬: 'રૂડા'(રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા આવતીકાલે મકાન લોનમાં સબસીડી અંગે માર્ગદર્શન સેવાનું આયોજન સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી ચીમનભાઇ પટેલ વિકાસ ભવન રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ ખાતે કરાયું છે.

આ અંગે રૂડાના વહીવટ અધિકારીની યાદીમાં  જણાવ્યા મુજબ દરેક ભારતીઓના ''ઘરના ઘર''ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર લેવા માટે વિવિધ ઘટક અંતર્ગત આવાસ અંગે સહાય આપવામાં આવે છે જે અંતર્ગત લાભાર્થીઓને પોતાની પસંદગીનું ઘર લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ (સીએલએસએસ) ઘટકમાં ર.૬૭ લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. જેમાં રર.૫૦ લાખ સુધીની આવક ધરાવતા લાભાર્થીઓને લીધેલી લોનના વ્યાજ માંથી ૬.૫૦% થી માંડી ર.૫૦% સુધીની વ્યાજ સહાયની જોગવાયનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરોકત વ્યાજ સહાય આવકનીવિવિધ મર્યાદાઓન ધ્યાને લઇને આપવામાં આવે છે.

ઉપરોકત વ્યાજ સહાય લેતા ઘણી વિગતો પ્રાથમિક ધોરણે ધ્યાનમાં રાખવી જરૂરી છે જેવી કે ઇડબલ્યુએસ તથા એલઆઇજી પ્રકારની કેટેગરીમાં પુરૂષ અરજદારની સાથે મહિલા અરજદારનું નામ, દસ્તાવેજમાં મહિલા અરજદારનો ઊલ્લેખ, લોન મંજુર થયા પહેલા યોજનાનો લાભ લેવા નો છે તે અંગેની જાગૃતિ અને આ અંગે બેંકને જણાવવું જેથી લોન મંજુરીની સાથે જ સહાય અંગે અરજી થઇ શકે તથા ઘણા પુરાવા અંગેની બાબતો ધ્યાને રાખવાની રહે છે. જો મકાન લેતા સમયે જ આ અંગે જાગૃતિ હોઇ તો સહાય મેળવવામાં થતા વિલંબને ઘટાડી શકાય છે અથવા સામાન્ય ભુલ ને કારણે મળવા પાત્ર સહાય નામંજુર થતા અટકાવી શકાય છે.

લોકોમાં યોજના અંગે જાગૃતતા વધે તથા દરેક લોકોને યોજના અંગે વિગતવાર માર્ગદર્શન મળે તો આ યોજનાનો વધુમાં વધુ  લોકો લાભ લઇ શકે તેમજ પ્રધાનમંત્રીના દરેક ભારતીયોના ''ઘરના ઘર''નું સ્વપ્ન સાકાર થઇ શકે. તો આબાબત ને ધ્યાને લઇ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડીંટ લીંક સબસીડી સ્ક્રીમ (સીએલએસએસ) ની માહિતી આપતા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આથી આ માર્ગદર્શન મેળામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહતમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. (૧.૧૮)

(3:40 pm IST)