Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટ મ્યુનિ.કોર્પો. દ્વારા એન્જીનીયરોના હોદ્દા માટે લેવાયેલ પરિક્ષાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ

સિવિલ એન્જીનીયરીંગની પરિક્ષામાં કોર્ષ બહારના પ્રશ્નો પુછાયાનો રીટમાં આક્ષેપ

રાજકોટ તા.૧૬: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટન્ટ સિવિલ એન્જીનિયર વર્ગ-રની ૧૦ જગ્યાઓ ભરવા માટે તા. ૨૩-૯-૨૦૧૮ના રોજ લેવાયેલ પરીક્ષામાં કોર્ષ બહારના પ્રશ્નો પુછાતા પરીક્ષાર્થીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતાં હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશનને શો કોઝ નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, બી.ઇ. આસીસ્ટન્ટ સીવીલ એન્જીનીયર વર્ગ-રની ૧૦ જગ્યાઓ ભરતી માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલ અને પરીક્ષાર્થીઓએ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ કોર્ષને અનુલક્ષીને લેવાનાર પરીક્ષા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરેલ હતી.

ગત તા. ૨૩-૯-૨૦૧૮ના રોજ કોર્પોરેશન દ્વારા ૧૦૦ માર્કની પરીક્ષામાં લેવાયેલ હતી જે પરીક્ષામાં ૧૯થી વધારે પ્રશ્નો કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ કોર્ષ બહારના પુછાતા પરીક્ષાર્થીમાં ઉહાપો મચી જવા પામેલ જે સંદર્ભે પરીક્ષાર્થીઓ દ્વારા કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને વાંધા અરજી આપવામાં આવેલ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ૧૦૦ માર્કનું પ્રોવીઝનલ પરિણામ જાહેર કરવામાં આવેલ હતું પરંતુ પરીક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવેલ વાંધા અરજીને અનુલક્ષીને કોર્પોરેશને અંતિમ પરિણામ ૮૧ માર્કનું જાહેર કરેલ અને ભરતીની પ્રક્રિયાને આગળ ધપાવેલ હતી.

ભોગ બનેલ પરીક્ષાર્થીઓ દ્વારા તેમને થયેલ અન્યાય સામે કાયદાકીય લડત પ્રારંભ કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશનની પરીક્ષાને  પડકારેલ છે.

હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ પરીક્ષાર્થીઓ દ્વારા એડવોકેટ પ્રતિક જસાણી તથા સ્તવન મહેતા દ્વારા રજુઆત કરવામાં આવેલ કે પરીક્ષામાં ૧૯થી વધુ માર્કના પ્રશ્નો જયારે કોર્ષ બહારના પુછવામાં આવેલ હોય તેનાથી અસંખ્ય પરીક્ષાર્થીઓને અન્યાય થયેલ હોય અને કોર્પોરેશન દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવે તે સંદર્ભે રજુઆત કરતા હાઇકોર્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કારણ દર્શક નોટીસ ઇસ્યુ કરેલ હતી.

આ કામમાં ભોગ બનનાર પરીક્ષાર્થીઓ વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી ,સ્તવન મહેતા, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ રોકાયેલ છે.(૧.૧૧)

 

(3:37 pm IST)