Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પૈસા નહિ આપ તો તને અને તારા પુત્રને મારી નાંખીશ...પટેલ વેપારીને પૂર્વ ભાગીદારની ધમકી

જમુના પાર્કના પંકજ પાંભર અગાઉ નવાગામમાં જય હેરમા સાથે ભાગીદારીમાં સિતારામ ડેરી ચલાવતા હતાં: જુના હિસાબ બાબતે જયએ ફોનમાં ખૂનની ધમકી દીધાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ જકાતનાકા પાસે જમુના પાર્ક-૮માં રહેતાં અને અગાઉ નવાગામ દિવેલીયાપરામાં સિતારામ ડેરી નામે વેપાર કરતાં પંકજભાઇ બચુભાઇ પાંભર (ઉ.૪૦) નામના પટેલ યુવાનને તેના ભાગીદાર નવાગામ આણંદપરના જય વેલજીભાઇ હેરમાએ પૈસાની લેતીદેતી બાબતે ફોન પર ગાળો દઇ પંકજભાઇ અને તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપતાં  મામલો પોલીસમાં પહોંચ્યો છે.

કુવાડવા રોડ પોલીસે પંકજભાઇની ફરિયાદ પરથી જય હેરમા સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭ મુજબ ગુનો નોંધ્યો છે. પંકજભાઇએ જણાવ્યા મુજબ તે હાલમાં ઘર સાથે જ સિતારામ ડેરી ચલાવે છે. છ માસ પહેલા નવાગામમાં ભાગીદાર જય હેરમા સાથે સિતારામ ડેરી નામે વેપાર કરતાં હતાં. દોઢ મહિના પહેલા પોતે પટેલ વિહાર સામે જતાં હતાં ત્યારે જય હેરમાએ મળી પૈસાની લેતીદેતી બાબતે વાત કરી હતી. તેમજ પોતાના પૈસા લેણા નીકળે છે તે આપી દેવા વાત કરી હતી. એ પછી ગઇકાલે ૧૫મીએ તેણે ફોન કરી ફરીથી પૈસાની ઉઘરાણી કરી જો પૈસા નહિ આપ તો તને અને તારા પુત્ર આયુષને મારી નાંખીશ તેવી ધમકી દઇ ગાળો ભાંડી હતી.

આથી પોતે ગભરાઇ જતાં પત્નિ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી. પી.આઇ. ફર્નાન્ડીઝની રાહબરીમાં હેડકોન્સ. કે. સી. સોઢાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

 

(10:29 am IST)