Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રાજકોટ સહિત રાજયભરમાં હવે ડીજીપીની સીધી નજર રાખવા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એક માસમાં કાર્યરત

ગુજરાતમાં વધતી જતી હાઇવે લુંટ, મિલ્કત વિરોધી ગુન્હા, પ્રજાની સલામતી સંદર્ભે પગલું: ડીવાયએસપી ગૌરવ જસાણી

રાજકોટ, તા., ૧પઃ રાજયભરમાં સરાજાહેર મોટી લુંટો, ધાડ અને અન્ય મિલ્કત વિરોધી વધતા જતા ગુન્હાઓ સંદર્ભેની  તમામ ગતિવિધિઓ પર રાજયના પોલીસ વડાની ચાંપતી નજર રહે અને ઇમરજન્સી સમયે તુર્ત જ તેમના અનુભવનો લાભ મળી શકે તે માટે રાજયના પોલીસ વડાની કચેરીમાંથી ગુજરાતભરમાં મહત્વના શહેરમાં નજર રાખવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ  બનાવવાની કાર્યવાહી ગતિમાં છે.

ઉકત બાબતે સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપી ગૌરવ જસાણીનો સંપર્ક સાધતા તેઓએ આવો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ રાજયના પોલીસ વડાના સીધા માર્ગદર્શનમાં સ્ટેટ કંટ્રોલ રૂમમાં બનાવવાની કાર્યવાહી ચાલી રહયાની બાબતને સમર્થન આપ્યું છે. તેઓએ  વિશેષમાં અકિલા સાથેની વાતચીતમાં ભવિષ્યમાં સમગ્ર રાજય પર નજર રાખવા માટે વિશાળ કમાન્ડ એેન્ડ કટ્રોલરૂમ બનાવવા માટે વિશાળ જગ્યાની શોધખોળ પણ ચાલી રહયાની બાબતને પણ સમર્થન આપ્યું હતું.

સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખવા માટે ઉભો થનાર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ માટે મોટા શહેરોમાં લાગેલી સીસીટીવી ફુટેજ જેવી વિડીયોવોલ બનાવવામાં આવશે અને તેના મારફત જ ચાંપતી નજર રખાશે. ગંભીર બનાવ સમયે ડીજીપી કંટ્રોલ તરફથી તાકીદે મદદ પુરી પાડી શકાય તેવો હેતુ છે. હાલ તુર્ત તો એક માસમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તૈયાર થનાર છે.

(3:47 pm IST)