Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

GSTના દરોડા બંધ થવા જોઇએ

રાજકોટ ચેમ્‍બરની માંગ : કોઇ નોટિસ વગર ત્રાટકવું એ કયાં નો ન્‍યાય ?

રાજકોટ,તા. ૧૫ : ફેડરેશન ઓફ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છનું પ્રતિનિધિત્‍વ કરતી વરિષ્ઠ મહાજન સંસ્‍થા છે. સૌરાષ્‍ટ્રના વેપાર-ઉદ્યોગના પ્રશ્‍નોને વાચા આપવા હંમેશા અગ્રેસર રહી મહત્‍વની ભુમિકા ભજવે છે.

તાજેતરમાં GST ડિપાર્ટમેન્‍ટ દ્ધારા વિવિધ ટીમો બનાવી પોલીસને સાથે રાખી શહેરોમાં વેપાર-ઉદ્યોગો પર દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. ત્‍યારે આ સમગ્ર પ્રક્રિયામાં વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી છે. ડિપાર્ટમેન્‍ટ દ્વારા કોઈપણ જાતની નોટીસો આપ્‍યા વગર નિયમ વિરૂઘ્‍ધ વ્‍હેલી સવારના ઘરે જઈને દરોડા પાડી હેરાન પરેશાન કરવામાં આવી રહયા છે. જે ખુબ જ અસહય છે. અને આ પ્રક્રિયામાં કોઈપણ જાતની પુછપરછ કર્યા વગર તેઓની અટકાયત કરી કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. જેના કારણે સમગ્ર સૌરાષ્‍ટ્રના વેપારી આલમમાં ઉગ્ર રોષની લાગણી છવાયેલ છે.

જે વેપાર-ઉદ્યોગકારો બીન કાયદાકીય પ્રવૃતિ કરે છે તેની સામે કાર્યવાહી કરવી એ યોગ્‍ય માનીએ છે. પરંતુ જે વેપારીઓ સાચા છે તેને હેરાન પરેશાન ન કરવા અને હાલમાં ચાલી રહેલ દરોડા અને સર્ચ ઓપરેશનની કામગીરી વેપારીઓના હિતમાં થાય અને તેઓને કોઈપણ જાતની મુશ્‍કેલી ન પડે તે માટે તાત્‍કાલીક અસરથી અધિકારોઓને યોગ્‍ય સુચના અને અમલવારી કરાવવા ફેડરેશન ઓફ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા ભારપુર્વક રજુઆત કરવામાં આવી છે.

(4:10 pm IST)