Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઇસ્કોન હાઇટ્સના રહેવાસીઓને ફરિયાદ પાછી ખેંચી લેવા કહી બાળકોને મારી નાંખવાની બિલ્ડર્સના મળતીયાઓ દ્વારા ધમકી

૮૦ થી વધુ ફલેટ્સ ધારકોની પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆતઃ અગાઉ બિલ્ડર ભાગીદારો વિરૂધ્ધ અરજી કરી તેનો ખાર રખાયો

રાજકોટઃ મવડી કસ્તુરી રેસિડેન્સીની બાજુમાં આવેલી ઇસ્કોન હાઇટ્સના રહેવાસીઓ દ્વારા અગાઉ ૨૯/૧૦ના રોજ બિલ્ડર ભાગીદારો વિરૂધ્ધ મેન્ટેનન્સના રૂ. ૨ કરોડ ૧૦ લાખ ચાઉં કરી જવા સબબની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બિલ્ડરના મળતીયાઓ ફલેટસ ધારકોના બાળકોને મારી નાંખવાની ધમકી આપવા પર ઉતરી આવતાં ફરીથી પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ઇસ્કોન હાઇટ્સમાં એ-બી-સી-ડી મળી કુલ ચાર વિંગ છે. જેમાં ૧૭૧ ફલેટનું બાંધકામ આશુતોષ રિયાલીટીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના રવિરાજસિંહ રાઠોડ તથા મુકેશભાઇ તોગડીયા અને વિક્રમસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં બે બેડવાળા ૯૦ અને ત્રણ બેડરૂમવાળા ૭૯ ફલેટ છે. બુકીંગ વખતે જે જે એમિનિટીઝ આપવાનું વચન તમામ ફલેટ હોલ્ડર્સને અપાયું હતું તે મુજબની અમુક સુવિધા હજુ સુધી અપાઇ નથી. ફલેટ હોલ્ડર્સ દ્વારા મેન્ટેનન્સ માટે અપાયેલી રકમ રૂ. બે કરોડ દસ લાખ પણ ફલેટ ધારકો માટે વાપરવાને બદલે ભાગીદારોએ અંગત ઉપયોગમાં વાપરી નાંખી છે. આ બાબતે ૨૦/૧૦/૧૮ના રોજ એક ફલેટ હોલ્ડર લાધુબેન રમેશભાઇ સાવલીયાએ ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા બિલ્ડર્સના મળતીયાઓ દ્વારા ધમકી મળતાં ફરીથી રજૂઆત કરવી પડી છે. મળતીયાઓએ એવી ધમકી આપે છે કે છોકરાઓ રમતાં-રમતાં ટ્રકના વ્હીલમાં આવી જશે તો શું કરશો? આમ કહી આડકતરી રીતે બાળકોને મારી નાંખવાની ધમકી અપાઇ રહી છે. તમામ સામે તાકીદે પગલા લેવા માંગણી છે. તસ્વીરમાં રજૂઆત કરનાર ફલેટ ધારકો જોઇ શકાય છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:10 pm IST)