Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જિલ્લા પંચાયતમાં નિરીક્ષક તરીકે જીતુ પટેલ અને લાખાભાઇ : કોંગી સભ્યોની મન કી બાત સાંભળશે

બે-ત્રણ દિવસમાં જ આગમન : પંચાયતમાં ફરી રાજકીય ગરમાવો

રાજકોટ, તા. ૧પ : જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોના મન જાણવા માટે આવતા બે-ત્રણ દિવસમાં કોંગી નિરીક્ષકો આવી રહ્યાના વાવડ છે. બધા સભ્યોને વ્યકિતગત મળીને જાણકારી મેળવશે. એક તરફ મૂળ બાગીઓ અને ખાટરિયા જુથના અસંતુષ્ટો પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકવા મક્કમ છે. બીજી તરફ પાર્ટી હાઇમાન્ડ અવિશ્વાસ દરખાસ્તની શકયતા ટાળવા માટે પ્રયત્નશીલ છે. જસદણની પેટાચૂંટણી સુધી કોઇ ફેરફાર નહિ કરવાનો પણ જરૂરી સુધારા કરાવવાનો હાઇકમાન્ડનો મુડ છે. નિરીક્ષકો તરીકે પ્રદેશ ઉપપ્રમુખ ડો. જીતુ પટેલ (માજી ધારાસભ્ય) અને લાખાભાઇ ભરવાડની નિમણૂંક કરવામાં આવી છે.

દિવાળી પહેલા કોંગીમાં રહેલા રર સભ્યો પૈકી કેટલાકે વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખની તરફેણમાં અને કેટલાકે વિરોધમાં રજૂઆત કરેલ પંચાયતની રાજકીય સ્થિતિની અવગણવાથી કોંગ્રેસને વધુ નુકશાન થાય તેવી ભીતિ લાગતા પ્રદેશ નેતાગીરીએ જે તે વખતે નિરીક્ષકો મોકલવાનું આશ્વાસન આપેલ. તે મુજબ પંચાયતના સભ્યોને સાંભળીને પરિસ્થિતીનો તાગ મેળવવા ડો. જીતુ પટેલ અને લાખાભાઇ ભરવાડ આવી રહ્યા છે. નિરીક્ષકોના આગમનના પગલે ફરી ખાટરિયા તરફી અને વિરોધી જુથ સક્રીય થઇ ગયું છે. ભાજપ પણ અવિશ્વાસ દરખાસ્તની જન્મેલી આશાનું બાળમરણ ન થઇ જાય તે માટે પ્રયત્નશીલ છે.

(4:09 pm IST)