Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રૈયાના ચકચારી નિતીન દોમડીયાના હત્‍યા કેસમાં બે આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧પઃ રૈયા ખુન કેસના આરોપીઓના જામીન મંજુર કરતા કોર્ટે ચુકાદો આપેલ હતો.

રાજકોટમાં રૈયા રોડ ઉપર રામેશ્‍વર ડેરી પાસે, શિવ ઓટો ગેરેજના નામથી કામ કરતા નિતીન દોમડીયાનું ખુન થઇ ગયેલ. તે બાબતે તેમના પિતાશ્રીએ ગાંધીગ્રામ-૨, યુની.પોલીસ ચોકીમાં ફરીયાદ લખાવેલ. અને તેમાં ચાર આરોપી ફેન્‍કલીન, ગીલ્‍બર્ટ, જુલીયસ તથા રવિના નામ આપેલ. અને જે-તે સમયે ફરીયાદ મારામારી બાબતેની હતી, ત્‍યારબાદ ફરીયાદી ગંભીર રીતે ઘવાયેલ હોય, ઇ.પી.કો.કલમ-૩૦૭ મુજબનો ગુન્‍હામાં ઉમેરો કરવામાં આવેલ અને આશરે ૨૩ દિવસની સારવાર બાદ ફરીયાદી ગુજરી જતા જે-તે ફરીયાદમાં ઇ.પી.કો.કલમ-૩૦૨ના ગુન્‍હાનો ઉમેરો કરવામાં આવેલ.

ઉપરોકત ફરીયાદ અનુસંધાને ચાર્જશીટ થયા બાદ રાજકોટ કોર્ટમાં સેસન્‍સ કેસ તરીકે જે-તે મેટર ચાલવા માટે આવેલ, સમગ્ર ટ્રાયલ પુરી થઇ ગયા બાદ એફ.એસ. પણ નોંધાઇ ગયેલ. ત્‍યારબાદ આરોપી ફેન્‍કલીન જોગીયા તથા ગીલ્‍બર્ટ જોગીયા વતી જામીન અરજી કરવામાં આવેલ. જે અરજીની વિગતો મુજબ આરોપીઓએ સમગ્ર ટ્રાયલ ચલાવવામાં સહકાર આપેલ છે. અને સમગ્ર ટ્રાયલ દરમ્‍યાન આશરે ૨૬ જેટલા સાક્ષીઓ, પ્રોસીકયુશન તરફથી તપાસ્‍યા બાદ એક પણ સાક્ષીએ ફરીયાદને સમર્થનકારી જુબાની આપેલ નથી કે આરોપી વિરૂધ્‍ધ ફરીયાદ મુજબનો કેસ સાબીત થાય તેવો પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી. ટ્રાયલમાં ફાઇનલ સ્‍ટેટમેન્‍ટ-એફ.એસ.નોંધાઇ ગયેલ છે. અને મેટર કોર્ટના આખરી નિર્ણય માટે મુકરર થયેલ છે. પરંતુ આરોપીઓ લાંબા સમયથી જેલમાં હોય, અને અરજદારોને શારીરીક તકલીફ અનુસંધાને ડોકટરી સારવારની ખાસ જરૂર છે. આરોપીઓના માતાપિતા બિમાર રહે છે અને તેની સારવાર કરવાવાળું કોઇ નથી, તેમજ સમગ્ર ટ્રાયલ પૂર્ણ થઇ ગયેલ હોય, સાક્ષીઓને હેમ્‍પર ટેમ્‍પર કરવાનો કોઇ પ્રશ્‍ન ઉપસ્‍થિત રહેતો નથી અને આરોપીઓ મુદતે હાજર રહેશે નહી અને ટ્રાયલ લંબાવવાના કોઇ સંજોગો રહેશે નહી, આરોપીઓને રેગ્‍યુલર જામીન/માનવતાના ધોરણે જામીનમુકત કરવા વિનંતી કરવામાં આવેલ.

કોર્ટે બંને પક્ષકારોને સાંભળી ઠરાવેલ છે કે, ઉપરોકત તમામ અરજદારોની રજુઆત ધ્‍યાને લેતા આરોપીઓની તરફેણમાં વિવેક બુધ્‍ધિની સતાનો ઉપયોગ કરવો ન્‍યાયોચીત જણાય છે. જેથી જામીન અરજી કોર્ટે ફરમાવેલ શરતોને આધીન રાખવા પાત્ર છે.

આ કામમાં તહોમતદાર ફેન્‍કલીન તથા ગીલ્‍બર્ટ એમાન્‍યુઅલ જોગીયા વતી વિકાસ કે. શેઠ, અલ્‍પા વિ.શેઠ, વિપુલ આર.સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(3:56 pm IST)