Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

લોહાણા મહાજનની સંપન્ન થયેલ ચૂંટણી પ્રક્રિયાથી સમાજના વિકાસની ઝડપ તેજ થશેઃ જનકભાઇ

બંધારણ પ્રમાણે સર્વાનુમતે અને સર્વમાન્ય રીતે થયેલ ચૂંટણીમાં ત્યાગની ભાવના, જ્ઞાતિ એકતા, સેવા, સમર્પણ અને સંસ્કારિતાના અકલ્પનીય દ્રશ્યોએ ચાર ચાંદ લગાવી દીધા

રાજકોટ તા. ૧પ :.. સર્વાનુમત, સર્વ સ્વિકાર્ય, સર્વમાન્ય અને સમરસતાના ચાર પાયા ઉપર સફળતાપૂર્વક સંપન્ન થયેલ રાજકોટ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીને કારણે સમગ્ર લોહાણા સમાજના વિકાસની ઝડપ ચોકકસપણે વધી જવાનો દૃઢ વિશ્વાસ રાજકોટના માજી મેયર, લોહાણા મહાજન રાજકોટના પૂર્વ ઉપપ્રમુખ તથા જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી જનકભાઇ કોટકે આજરોજ વ્યકત કર્યો હતો. કાયદાની મર્યાદામાં રહી બંધારણનું અક્ષરસઃ પાલન કરીને થયેલ ઐતિહાસીક ચૂંટણીમાં ત્યાગની ભાવના, જ્ઞાતિ એકતા, સેવા, સમર્પણ અને સંસ્કારીતાના સર્જાયેલ અકલ્પનીય દૃશ્યોએ ચાર ચાંદ લગાવી દીધાનું પણ જનકભાઇએ જણાવ્યું હતું.

લોહાણા મહાજન તથા સમાજ જયારે પણ હાકલ કરશે ત્યારે એક ફરજનિષ્ઠ રઘુવંશી તરીકે જ્ઞાતિનું ઋણ  ચૂકવવા પોતે હરહંમેશ તત્પર હોવાનું પણ તેઓએ વધુમાં જણાવ્યું હતું. વિશ્વનો કોઇપણ સમાજ વિવાદ  નહીં પણ સંવાદને કારણે જ સફળતા પ્રાપ્ત કરી શકયો હોવાનો પણ ઉલ્લેખ જનકભાઇ કોટકે કર્યો હતો.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓની વિનંતી માન્ય રાખીને સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીમાં મધ્યસ્થી કરીને અશકય કામને શકય બનાવ્યું તે બદલ પણ સમગ્ર લોહાણા સમાજ કાયમ તેઓનો ઋણી રહેશે તેવું જનકભાઇ કોટકે જણાવ્યું હતું.

સાથે સાથે સમગ્ર ચૂંટણી કાર્યવાહીનું નિષ્પક્ષ અને ચીવટપૂર્વક - સફળતાપૂર્વક સંચાલન  કરનાર આરસીસી બેન્ક રાજકોટના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયાની કામગીરી પણ પ્રશંસનીય હોવાનું અંતમાં જણાવ્યું હતું.

(3:55 pm IST)