Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

કાલે સ્ટેન્ડીંગ કમિટી બેઠક

કોર્પોરેશનનાં બાસ્કેટ બોલ ગ્રાઉન્ડની સભ્ય ફી ૫૦૦થી ૧૫૦૦ રૂ.

સ્કૂલ-કોલેજને એક દિવસનું રૂ.૧૫૦૦થી ૫૦૦૦ લેખે ભાડે આપવા નિર્ણય :આરોગ્ય કેન્દ્રમાં આયુવેર્દિક ડોકટરની કાયમી નિમણૂંક થશે : કુલ ૪૨ દરખાસ્તો અંગે નિર્ણયો લેશે ચેરમેન ઉદય કાનગડ એકેડેમીને તાલીમ કેમ્પ માટે વાર્ષિક ૯૦ હજારનાં ભાડેથી ગ્રાઉન્ડ અપાશે

રાજકોટ તા.૧૫: આવતી કાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં મ્યુ.કોર્પોરેશને કરોડોનાં ખર્ચે રેસકોર્ષમાં બનાવેલા બાસ્કેટ બોલ ગ્રાઉન્ડની સભ્ય ફી તથા ગ્રાઉન્ડનું ભાડુ નક્કી કરવા સહિતની કુલ ૪૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવાનાર છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેન્ડીંગ કમિટીનાં એજન્ડાની મહત્વની દરખાસ્તોમાં રેસકોર્ષ સ્પોર્ટ્સ સંકુલમાં કરોડોનાં ખર્ચે બનાવેલ બાસ્કેટબોલ ગ્રાઉન્ડની સભ્ય ફીનાં દરો નક્કી કરવાની દરખાસ્ત છે. જેમાં ત્રિ-માસિક સભ્ય પદનાં રૂ. ૫૦૦, છ માસિક સભ્ય પદનાં રૂ. ૯૦૦ અને વાર્ષિક સભ્ય પદનાં રૂ. ૧૫૦૦ રાખવા ભલામણ છે.

જયારે સ્કૂલ-કોલેજોને આ બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ દિવસે પ્રતિદિન રૂ. ૧૫૦૦નાં ભાડાથી અને રાત્રી પ્રકાશ મેચ માટે પ્રતિ રાત્રી રૂ. ૫૦૦૦નાં ભાડાથી આપવા અને સિકયુરિટી ડિપોઝીટ રૂ. ૧૦,૦૦૦ રાખવા ભલામણ છે.

આજ પ્રકારે એકેડેમીને તાલીમ કેમ્પ માટે બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ વાર્ષિક રૂ. ૮૦૦૦૦ની અપસેટ કિંમતનાં ભાડાથી જે ભાડુ મંજુર થાય તેની પ ટકા રકમ જ ડિપોઝીટ લઇને વાર્ષિક ભાડે આપવા ભલામણ છે. એકેડેમીને ગ્રાઉન્ડ ભાડે આપવાનાં કિસ્સામાં જે એકેડેમીનું ભાડુ વધારે હશે તેને ગ્રાઉન્ડ ભાડે અપાશે.

આમ આ નિયમો મુજબ બાસ્કેટ ગ્રાઉન્ડ ભાડે આપવા અંગેની દરખાસ્તોનો આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાશે.

આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમિટીમાં સફાઇ કામદારોને ગણવેશ આપવા, હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે લાઇન-ઓફ પબ્લીક સ્ટ્રીટ જાહેર કરવા, કોર્પોરેશનની આવાસ યોજનાઓ માટે ૧ર કન્સટન્ટોની યોજનાનાં કુલ ખર્ચનાં ૧૦.૮ ટકાનાં ચાર્જ ચુકવીને નિમણૂંક કરવા અંગે, તથા કોર્પોરેશનનાં આરોગ્ય કેન્દ્રમાં કાયમી ધોરણે આયુર્વેદ ડોકટરની નિમણૂંક કરવા અંગે તેમજ શહેરનાં મધ્યમવર્ગીય, વેસ્ટઝોનમાં સફાઇનાં કોન્ટ્રાકટની મુદ્દત ૧ વર્ષ વધારવા અંગે તેમજ બાગ-બગીચાનાં કામોનું થર્ડ-પાર્ટી ઇન્સ્પેકશન કરાવવા, ગાંધી મ્યુઝિયમનાં સંચાલનનો કોન્ટ્રાકટ આપવા અને મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવા સહિત ૪૨ દરખાસ્તોનો નિર્ણય આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ લેનાર છે.

કોર્પોરેશને ગજા બહારનો કાનુની જંગ ખેલ્યોઃ 'લીગલ ફી'નું બજેટ ખુટી ગ્યુ!!: વધુ રપ લાખની જોગવાઇ થશે

 રાજકોટ : મ્યુ.કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષમાં ગજા બહારનો કાનુની જંગ ખેલવો પડયો હતો તેનાં કારણે 'લીગલ ફી' ચુકવવાનું વાર્ષિક બજેટ ૪ મહિના વહેલું ખુટી જતાં આ માટે વધુ રપ લાખની બજેટ જોગવાઇ, બાગ બગીચા રીપેરીંગની બજેટ જોગવાઇ માંથી વર્ગફેર કરી અને કરવા માટેની દરખાસ્ત કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થશે.

નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા બાબતે હાઇકોર્ટમાં કાનુની લડત ચાલી હતી. તેવી જ રીતે અરવિંદભાઇ મણિયાર ફલેટની રિ-કન્સ્ટ્રકશન યોજના અંગેની કાનુની લડત પણ હતી. આજ પ્રકારે અનેક નાના-મોટા કેસને કારણે આ વર્ષે 'લીગલ ફી' ચુકવવાનું વાર્ષિક રૂ. રપ લાખનું બજેટ વપરાઇ ગયું હતું. અને હવે વધુ રપ લાખની બજેટ જોગવાઇ માટે વર્ગફેરની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં કરાઇ છે.

(3:30 pm IST)