Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

માનવ જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્વનું યોગદાનઃ રમેશ મેરજા

ખેડા જિલ્લામાં ગ્રંથ સપ્તાહની ઉજવણી

રાજકોટ તા.૧૫: ખેડા જિલ્લામાં ગ્રંથાલય ખાતુ અને સરકારી જિલ્લા પુસ્તકાલય નડિયાદના ઉપક્રમે તા. ૨૦ સુધી રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજાએ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે માનવ જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્વનું યોગદાન રહ્યું છે. પુસ્તકો આપણા સાચા મિત્ર છે, ત્યારે આધુનિક અને ઇન્ટરનેટ યુગમાં વિદ્યાર્થીઓએ પોતાની રસ, રૂચિ મુજબના પુસ્તકોનું વાંચન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. ઇન્ટરનેટ યુગમાં ઇ.પુસ્તકો પણ ઉપલબ્ધ છે. તેનો સદ્દઉપયોગ કરવાનું જણાવી તેમણે જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યું હતું.

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી નિમિત્તે સરકારી જિલ્લા પુસ્તકાલય દ્વારા સરદાર પટેલના પુસ્તકોનું પ્રદર્શન, સ્પર્ધાત્મક પુસ્તકોનું પ્રદર્શન તથા મોટીવેશન, દિવ્યાંગ વાંચકોના પુસ્તકોનું પ્રદર્શન કાલે તા. ૧૬ના સવારે ૧૦ કલાકે અંધજન મંડળ, વાંઠવાળી ખાતે કરવામાં આવ્યું છે.

ગ્રંથપાલ શ્રી બી.એફ. ગઢવીએ નડિયાદના નગરજનોને જિલ્લા ગ્રંથાલયનો વધુમાં વધુ લાભ લઇ પુસ્તકોનું વાંચન કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ધનશ્યામ ગઢવીએ કર્યું હતું. અંતમાં એ.બી. પઠાણે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જશુભાઇ પારેખ, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતાં.

(2:39 pm IST)