Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

માધવ પાર્કમાં રજપૂત પ્રોઢ વનરાજભાઇ ચુડાસમાનો ગળાફાંસો ખાઇ આપઘાત

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્યુન હતાં: બિમારીથી કંટાળી પગલું ભર્યાની શકયતા

રાજકોટ તા. ૧૫: યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલ પાસે માધવ પાર્ક-૨માં રહેતાં અને સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્યુન તરીકે નોકરી કરતાં વનરાજભાઇ પોપટભાઇ  ચુડાસમા (ઉ.૫૮) નામના રજપૂત પ્રોઢે ઘરે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં  પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વનરાજભાઇએ બપોરે ત્રણ વાગ્યા બાદ રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્ર વિરલભાઇ રૂમમાં આટો મારવા જતાં તેણે પિતાને લટકતાં જોતાં હતપ્રભ થઇ ગયા હતાં. બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં એએસઆઇ સતિષભાઇ ગામેતી અને હેડકોન્સ. જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આપઘાત કરનાર વનરાજભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પગના દુઃખાવા, કમરની તકલીફ તથા કિડનીની બિમારી હોઇ તેની દવા-સારવાર ચાલુ હતાં. બિમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું પરિવારજનોએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. ગઇકાલે વનરાજભાઇના પત્નિ કોઇ પ્રસંગમાં બહાર ગયા હતાં. પુત્ર વિરલભાઇ સ્કૂલવેન હંકારે છે. તે ઘરે પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થઇ હતી.

(2:33 pm IST)