Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

કણકોટની સાઇટ પરથી મજૂરને બહારની પોલીસ લઇ ગઇ ને અપહરણની વાતથી બધા ધંધે લાગ્યા

તાલુકા પોલીસે રાતભર દોડધામ કરીઃ અરજીને આધારે તપાસ શરૂ થતાં સાચી વિગત સામે આવી

જ્યાં ઘટના બની તે સાઇટ અને જે મજૂરને લઇ જવાયાનું કહેવાય છે તેનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૫: કણકોટમાં લાભુભાઇ ત્રિવેદી એન્જિનીયરીંગ કોલેજ નજીક જે. કે. હોસ્ટેલ પાસે નવા બની રહેલા ગોડાઉનની સાઇટ પર ચારેક મહિનાથી રહેતાં અને ત્યાં જ કડીયા કામ કરતાં મુળ મધ્યપ્રદેશના ૨૦ વર્ષના યુવાનને મોડી રાત્રે ધોલધપાટ કરી પાંચ જેટલા શખ્સો કારમાં સાથે લઇ જતાં અપહરણ થયાની વાત પોલીસ અધિકારીઓ અને ટીમે રાતભર દોડધામ કરી હતી. જો કે નજીકમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મજૂરને લઇ જનારા શખ્સો પોલીસ જેવા દેખાતા હોઇ અને લેપટોપમાં કંઇક ચેક કરતાં હોય તેવું જોવા મળતાં આ મજૂરને કોઇ બાબતે પુછતાછ કરવા લઇ ગયાની પણ શકયતા છે. આજ સવાર સુધી મજૂરનો પત્તો ન મળતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં. દરમિયાન આ શખ્સને બહારની પોલીસ તપાસના કામે લઇ ગયાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ  મુળ મધ્યપ્રદેશનો સાગર ઉર્ફ સાધુ (ઉ.૨૦) રાત્રીના એકાદ વાગ્યે સાઇટ પર ખાટલામાં સુતો હતો ત્યારે ચાર-પાંચ શખ્સો આવ્યા હતાં અને ધોકા ફટકારતાં તે ઉંઘમાંથી ઉઠીને ભાગ્યો હતો. દેકારો થતાં અંદરની તરફ સુતેલી આ યુવાનની બહેનો તથા બીજા મજુરો પણ જાગી ગયા હતાં. સાગર દોટ મુકીને ભાગતાં તેની પાછળ આ શખ્સોએ દોડીને પકડી લીધો હતો. તેને ખેંચીને લઇ જતાં હોઇ તેની બહેનોએ 'આને કયાં લઇ જાવ છો, કોણ છો?' તેવું પુછતાં એ શખ્સોએ 'અમે આને પુછતાછ માટે લઇ જાય છીએ, પાછો મુકી જઇશું' તેમ કહી લઇ ગયા હતાં.

આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતાં એસીપી જે. એસ. ગેડમ, તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા, પીએસઆઇ રાજપુરોહિત તથા બીજો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સાઇટ પર રહેતી એમ.પી.ની મજૂર યુવતિઓને પુછતાં તેણીએ પોતાના ભાઇ સાગરને પાંચેક શખ્સો લઇ ગયાનું અને તે પોલીસ જેવા લાગતાં હોવાનું કહ્યું હતું. કાર લઇને આવેલા શખ્સો વિશે તપાસ કરતાં નજીકની એક હોટેલમાંથી પોલીસને પાંચેક શખ્સના ફૂટેજ મળ્યા હતાં. જેમાં બે શખ્સ લેપટોપમાં કંઇક ચેક કરતાં દેખાયા હતાં. એક શખ્સ પાસે લાકડી હતી. સાગરની બહેનોએ આ શખ્સો જ હોવાનું ઓળખ્યું હતું. જો કે કાર ફૂટેજમાં દેખાતી નથી, તે હોટેલથી દૂર પાર્ક કરવામાં આવી હતી.

સાગરને કોઇ સાથે કોઇપણ પ્રકારની માથાકુટ નહિ હોવાનું તેની બહેનોએ કહ્યું હતું. તેનો મોબાઇલ ફોન સાથે હોઇ તે પણ બંધ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં. સવાર સુધી પોલીસે સાગરને શોધવા દોડધામ કરી હતી. પણ પત્તો મળ્યો નહોતો. કદાચ કોઇ પ્રકરણમાં પુછતાછ માટે બહારની પોલીસ સાગરને લઇ ગઇ કે પછી અન્ય કોઇ લોકો કોઇ કારણોસર તેને ઉઠાવી ગયા? તે બાબતે હાલ રહસ્ય સર્જાયું હતું. મોડી બપોરે સ્પષ્ટ થયું છે કે આ શખ્સને બહારની પોલીસ કોઇ ગુનાના કામ સબબ શંકાને આધારે પુછતાછ માટે લઇ ગઇ છે. આ બાબતે તેના સ્વજનોને પણ જાણ કરવામાં આવી છે.

(3:28 pm IST)