Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રૈયાધારના ભીમાભાઇ રાઠોડનું ગવરીદળથી અપહરણ કરી હાજાપરમાં ધોકાવી બાદમાં ગીરના જંગલમાં ફેંકી દેવાયા

દેવીપૂજક વૃધ્ધનો પુત્ર હાજાપરના વિરમ દેવીપૂજકની પુત્રીને ભગાડી ગયો હોઇ તેનો ખાર રાખી વિરમ સહિતનાએ અપહરણ કર્યુઃ એક રાત જંગલમાં બેભાન પડી રહ્યા બાદ ભાનમાં આવતાં રાજકોટ પહોંચ્યા બાદ સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૧૫: રૈયાધાર મફતીયાપરામાં રહેતાં દેવીપૂજક વૃધ્ધનો દિકરો જુના યાર્ડ પાછળ આવેલા હાજાપર ગામની દેવીપૂજક યુવતિને ભગાડી ગયો હોઇ તે બાબતનો ખાર રાખી યુવતિના પિતા સહિતના પરિવારજનોએ આ વૃધ્ધનું ત્રણ દિવસ પહેલા ગવરીદળથી બોલેરોમાં અપહરણ કરી પહેલા હાજાપર ગામે ભેંસોના તબેલામાં ગોંધી રાખી મારકુટ કરી બાદમાં ગીરના જંગલમાં લઇ જઇ ત્યાં પણ બેફામ મારતાં તે બેભાન થઇ જતાં જંગલમાં જ ફેંકી દઇ બધા ભાગી ગયા હતાં. એક રાત સુધી બેભાન રહ્યા બાદ ભાનમાં આવેલા આ વૃધ્ધ મહામહેનતે રાજકોટ પહોંચતા સારવાર માટે દાખલ થયા છે.

બનાવની હોસ્પિટલના બીછાને પહોંચેલા રૈયાધારમાં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં ભીમાભાઇ મનજીભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૬૦) નામના વૃધ્ધે વિગતો આપતાં જણાવ્યું હતું કે ૧૨મીએ સવારે દસેક વાગ્યે પોતે ગવરીદળ તેના ભત્રીજાના ઘરે હતાં ત્યારે હાજાપરનો વિરમ દેવીપૂજક, જીવણ દેવીપૂજક સહિતના છએક શખ્સો આવ્યા હતાં અને મારકુટ કરી બોલેરોમાં નાંખી હાજાપર લઇ ગયા હતાં. ત્યાં ભેંસોના તબેલામાં બાંધીને માર માર્યો હતો. એ પછી સાંજે પાંચેક વાગ્યે ફરીથી બોલેરોમાં નાંખી ગીરના જંગલમાં મેલડી માતાજીના મંદિર ખાતે લઇ ગયા હતાં.

ભીમાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે પોતાનો પુત્ર અજય હાજાપરના વિરમભાઇની દિકરીને પાંચેક મહિના પહેલા ભગાડી ગયો છે. આ બંને હજુ મળ્યા નથી. અજય અને વિરમભાઇની દિકરી ગીરમાં છુપાયાની શંકા હોઇ જેથી પોતાને ત્યાં લઇ જવામાં આવેલ. પણ ત્યાં અજય કે છોકરી મળ્યા નહોતાં. આથી બધાએ ફરીથી માર માર્યો હતો. છેલ્લે પોતે અર્ધબેભાન જેવા થઇ જતાં એ લોકોએ 'હવે આને બોલેરો પાછળ બાંધીને ઢસડવો છે' તેવી વાતો કરી હતી. પણ ત્યાં પોતે બેભાન થઇ જતાં જંગલમાં જ ફેંકીને ભાગી ગયા હતાં. આખી રાત પોતે બેભાન પડી રહ્યા હતાં. બીજા દિવસે સવારે ભાનમાં આવતાં માંડ માંડ પગપાળા રસ્તો શોધ્યો હતો. એ પછી ઉના નજીક એક ગામમાં પહોંચ્યા હતાં. ત્યાંના લોકોને ઘટનાની જાણ કરતાં લોકોએ આર્થિક મદદ કરી હતી. એક  ગાડીવાળો પૈસા લીધા વગર જ ઉના સુધી મુકી ગયો હતો. બાદમાં પોતે વેરાવળ આવેલ અને ત્યાંથી ગઇકાલે રાજકોટ આવ્યા બાદ ઘરે આવી જાણ કરી સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતાં.

ભીમાભાઇની ઉપરોકત માહિતીને આધારે કુવાડવા રોડ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આ વૃધ્ધના કહેવા મુજબ તેનો દિકરો અજય પરિણીત છે, પણ હાલમાં તેની ઘરવાળી તેના માવતરે જતી રહી છે.

(12:05 pm IST)