Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પોપટપરાના સીંધી શખ્સની હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૫: પોપટપરામાં અપહરણ કરી સીંધી શખ્સના ખુન કરવાના ચકચારી ગુન્હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં રેલનગર,ક્રિષ્ના પાર્કમાં રહેતા રાજેશભાઇ ગેહીમલએ તેના પુત્ર વિશાલ ટેકવાણીનું અપહરણ કરી હડમતીયા તરફના રસ્તે લઇ જઇ પોપટપરા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર વનરાજ વડેચા, સુનીલ પ્રેમજીભાઇ વડેચા વિગેરે વિરૂઘ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી જેમાં તપાસનીશ અધિકારીએ જીતેન્દ્ર  વડેચા, સુનીલ વડેચા, સીરાજ હનીફભાઇ જુણેજા, પારસ સંગ્રામભાઇ મુલીયાણા, વિમલ ઉર્ફે લંગડો હરેશભાઇ ઉકેડીયાની ધરપકડ કરેલી હતી. અને તેઓ વિરૂધ્ધ અદાલતમાં પુરતો પુરાવો હોય ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ બનાવમાં તા.૧૭-૯-૨૦૧૮ના વિશાલ ટેકવાણી તથા સામેવાળા જીતેન્દ્ર વડેચા વચ્ચે માથાકુટ થયેલ હતી અને જેમાં તા.૧૮-૯-૧૮ના રોજ રાજેશભાઇ ટેકવાણી તથા તેનો મોટો પુત્ર રાહુલ અને ગુજરનાર વિશાલ અમદાવાદ મુકામે જવા માટે જતા હતા ત્યારે ઉપરોકત આરોપીઓએ તેઓને આંતેરલ હતા અને વિશાલનું બળજબરીથી અપહરણ કરી ઉપરોકત આરોપીઓ તેને હોન્ડામાં જબરજસ્તી બેસાડી લઇ ગયેલ હતા અને ત્યારબાદ ફરીયાદીએ શોધખોળ કરતા હડમતીયાના રસ્તે તેનો પુત્ર લોહીલુહાણ હાલતમાં મળી આવેલ હતો. અને તેને તાત્કાલીક ૧૦૮ મારફત મધુરમ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતો જયાં તેની સારવારના અંતે તેનુ મોત નીપજેલ હતું. આમ આ ગુન્હો અપહરણ અને ખુનના ગુન્હાનો બનાવ બન્યો હતો.

આ ગુન્હામાં વિમલ ઉર્ફે લંગડો હરેશભાઇ ઉકેડીયાએ જામીન અરજી કરેલ હતી જેમાં તેઓના વકીલશ્રીએ રજુઆત કરેલ હતી કે ફરીયાદમાં આરોપીનું નામ આપવામાં આવેલ નથી આરોપી પાસેથી ગુન્હાના કામનો કોઇ મુદામાલ મળી આવેલ નથી આ કેસમાં વૈજ્ઞાનીક પુરાવો પણ આરોપી વિરૂધ્ધ આવેલ નથી અને ચાર્જશીટ કોર્ટમાં રજુ થઇ ગયેલ છે તેવા સંજોગોમાં આરોપીને જામીન ઉપર મુકત કરવા રજુઆત કરેલ હતી તેથી હાઇકોર્ટે તપાસના કાગળો બંચાવપક્ષની રજુઆતો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઇ આરોપી વિમલ ઉર્ફે લંગડા ઉકેડીયાને રૂ.૧૦,૦૦૦ શરતી જમીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:46 pm IST)