Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભવનાથ પાર્કમાં વાસણ સાફ કરવા મામલે ડખ્ખોઃ પ્રમોદને જદુમણીએ છરી ઝીંકી દીધી

મુળ ઓરીસ્સાના પાંચ જેટલા યુવાનો એક જ રૂમમાં સાથે રહેતાં હોઇ બીજુમાંઝી અને જદુમણી ઝઘડતા હતાં ત્યારે પ્રમોદ વચ્ચે પડતાં હુમલો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ પર ભવનાથ પાર્કમાં હનુમાનજીના મંદિર પાસે ગોવર્ધનભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતાં મુળ ઓરિસ્સાના બે મજૂરો વચ્ચે વાસણ સાફ કરવા મામલે માથાકુટ થતાં ત્રીજો સમજાવવા વચ્ચે પડતાં તેને એક જણાએ પડખામાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભવનાથ પાર્કમાં રહેતો પ્રમોદ રાધેશ્યામ હેરના (ઉ.૨૩) રાત્રીના સાડા દસેક વાગ્યે રૂમમાં હતો ત્યારે સાથે જ રહેતાં જદુમણી રાણાએ ઝઘડો કરી પડખામાં અને હાથમાં છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ આર. એન. સાંકળીયા અને એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેશા-ખારવાએ હોસ્પિટલે પહોંચી પ્રમોદની સાથે રહેતાં બીજુમાંઝી લાંબાકિશોરમાંઝી બલાંગીર (ઉ.૨૨) (રહે. હાલ ભવનાથ પાર્ક, મુળ ધુના જી. બલાંગીર, તુશરા-ઓરિસ્સા)ની ફરિયાદ પરથી સાથે જ રહેતાં જદુમણી રાણા સામે ગુનો નોંધ્યો હતો.

સાંજે જમ્યા બાદ બીજુમાંઝી અને જદુમણી વચ્ચે વાસણ માંજવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં પ્રમોદ સમજાવવા વચ્ચે પડતાં જદુમણીએ ઉશ્કેરાઇ જઇ તેને છરીના ઘા ઝીંકી દીધા હતાં.

(3:40 pm IST)