Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બિનસચીવાલય કલાર્કની પરીક્ષા રદ એ સરકારનો મનઘડત નિર્ણયઃ આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ

આમ આદમી પાર્ટીએ કલાર્કની પરીક્ષા રદ્દ અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧પઃ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી કેશવજી પરમાર અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ અને લાયકાત બદલવા મુદ્દા બાબતે રજુઆતો કરી હતી.

આવેદન પત્રમાં ઉમેરાયું હતું કે, તા. ૯મી ઓકટોબરના રોજ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા સરકારે એકાએક રદ કરી નાખી. જે પરીક્ષામાં ૧૦ લાખથી વધુ ઉમેદવારો બેસવાના હતા. ધોરણ ૧ર ની લાયકાત સાથે વર્ષ ર૦૧૮ માં આની જાહેરાત આવેલી હતી એટલે ધોરણ ૧ર પાસ લોકોએ ઉમેદવારી કરીને પરીક્ષાની ખૂબ પૂર્વ તૈયારી કરેલી. સતત ૧પ મહિનાની મહેનત પછી સરકારે ૧૦% અનામત વધારી એટલે ફરી ફોર્મ ભરાયા એમાં ૩ મહિના પરીક્ષા ખેંચાઇ તેમ છતાં વિદ્યાર્થીઓ તૈયારી કરતા રહ્યા અને ર૦ ઓકટોબરનાં રોજ પરીક્ષા હોવાથી ઘણા વિદ્યાર્થીઓએ નવરાત્રી ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવ્યા વગર તૈયારી કરી. અચાનક સરકારે પરીક્ષા રદ કરી તમામ બેરોજગાર યુવાઓનું ભવિષ્ય દાવ પર લગાડી દીધું અને સાથે સાથે સરકારે પરીક્ષાની લાયકાત પણ બદલી નાંખી.

તેમજ ધો. ૧ર ના વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો હુકમ કરેલ છે તે ગેરબંધારણીય છે. ભરતી નિયત પ્રમાણે જે સમયે જાહેરાત આપી હોય તેમાં કોઇપણ જગ્યાએ ફેરફાર કરી શકાય નહિં તેવા નિયમો હોવા છતાં તમોએ આ નિયમોને બદલી અને વિદ્યાર્થીઓને અન્યાય કરેલ છે. આ સંવેદનશીલ સરકારના આવા મનઘડત નિર્ણયોનો આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આવા બેરોજગાર યુવા વિરોધી નિર્ણયનો તાત્કાલીક પરત ખેંચવા અનુરોધ કરે છે.

(3:37 pm IST)