Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સિવિલ હોસ્પિટલમાં દર્દી ઉતાર્યા પછી વન-વેમાંથી ૧૦૮ બહાર કાઢવા પાઇલોટે ખુબ સાયરન વગાડ્યા, પછી બેરીકેટ ઉપર ચડાવી દીધી!

સિવિલ હોસ્પિટલમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોઇ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ સવારે ૯ થી ૧ સુધી એસબીઆઇ બેંક તરફના ગેઇટને વન-વે જાહેર કર્યો છે અને આ માટેનું જાહેરનામુ પણ બહાર પાડ્યું હતું. દરમિયાન ગઇકાલે એક ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે દર્દીને ઇમર્જન્સીમાં ઉતાર્યા બાદ બહાર જવા માટે જામનગર રોડ તરફના ગેઇટનો ઉપયોગ કરવાને બદલે ધરાર વન-વેમાંથી ગાડી બહાર કાઢવા માટે ઉધામા મચાવ્યા હતાં.  ત્યાં હાજર સિકયુરીટી સ્ટાફે તેના ચાલકને સમજાવતાં તેણે સતત હોર્ન વગાડવાનું ચાલુ કરી દીધું હતું અને છેલ્લે એમ્બ્યુલન્સની ઠોકર મારી બેરીકેટ ઉપર ગાડી ચડાવી દીધી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ હંકારી રવાના થઇ ગયેલ. આ બાબતે સિકયુરીટી ઇન્ચાર્જ દ્વારા તબિબી અધિક્ષકને ધ્યાન દોરાયું છે. દર્દીઓ હોય તો તુરત જ બેરીકેટ હટાવી લેવામાં આવે છે. પરંતુ ૧૦૮માં કોઇ દર્દી ન હોવા છતાં ચાલકે ધરાર વન-વેમાંથી બહાર નીકળવા ઉધામા મચાવ્યા હતાં.

(3:33 pm IST)