Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાજકોટ જિલ્લા પંચાયતમાં બળાબળના પારખાનો માર્ગ ખૂલ્લો, પક્ષાંતરના મુદ્દે લડાઈ યથાવત જ

કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા તમામ સભ્યોને વ્હીપ અપાશેઃ ખાટરિયા : પ્રમુખે કયારની બહુમતી ગુમાવી દીધી છે છતા પદનો મોહ શા માટે ? ધ્રુપદબા

રાજકોટ, તા. ૧૫ :. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અલ્પાબેન ખાટરિયા અને ઉપપ્રમુખ સુભાષ માંકડિયા સામેની અવિશ્વાસ દરખાસ્તના મામલે હાઈકોર્ટે અર્જુન ખાટરિયાની અવિશ્વાસ દરખાસ્ત રદ્દ કરવાની માંગણી નકારી કાઢી છે. હવે પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજી બળાબળના પારખા કરવાનો રસ્તો ખૂલ્લો થયો છે. ૧૨ જેટલા બાગી સભ્યો સામેની પક્ષાંતર ધારા હેઠળની ખાટરિયાની લડાઈ યથાવત રહી છે. હવે રાજ્યના વિકાસ કમિશનરે સામાન્ય સભાની તારીખ નક્કી કરવા પાત્ર થાય છે.

અવિશ્વાસ દરખાસ્ત મુકનાર વિપક્ષ ભાજપના નેતા શ્રીમતી ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાએ જણાવેલ કે પંચાયતના પ્રમુખે લાંબા સમયથી બહુમતી ગુમાવી દીધી છે. અવિશ્વાસ દરખાસ્તથી બચવા માટેની તેમની માંગણી હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે તેમને સત્તા પર રહેવાનોે હક્ક નથી. નૈતિકતાના ધોરણે તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.

દરમિયાન અર્જુન ખાટરિયાએ જણાવેલ કે અવિશ્વાસ દરખાસ્ત નામંજુર કરાવવા અમારી પાસે પુરતુ સંખ્યાબળ છે. સામાન્ય સભા બોલાવવા અમે ગયા અઠવાડિયે જ નોંધ આપી દીધેલ. કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા તમામ સભ્યોને અમે સામાન્ય સભા માટે વ્હીપ આપશું. પક્ષાંતર ધારા હેઠળ બાગીઓને ગેરલાયક ઠેરવવાની લડત ચાલુ જ છે. હાઈકોર્ટે ૨૧ નવેમ્બરે હાજર થવા નામોનિર્દેષ અધિકારી અને સંબંધિત સભ્યોને આદેશ આપ્યો છે. કોઈ સભ્ય પાર્ટી લાઈનમાં પાછા ફરવા માંગતા હોય તો અમે તેની સામેની ફરીયાદ બાબતે પુનઃ વિચાર કરી શકીએ છીએ, અન્યથા ગેરલાયક ઠેરવવા માટેની અમારી કાનૂની લડત આગળ વધારશું.

(11:49 am IST)