Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

૧૬ સપ્ટેમ્બર: આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ:સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી સૌનું રક્ષણ કરતા ઓઝોનના સ્તરને બચાવવા સંકલ્પ કરીએ

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૪માં ઇન્ટરનેશનલ ઓઝોન ડે ઉજવવાની જાહેરાત કરી હતી

વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન ઉજવવામાં આવે છે. ઓઝોન વાયુ઼નો ૯૦ ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં ૧૦થી પ૦ કિલોમીટર ઊંચે હોય છે. સૂર્યના પૃથ્વી પર આવતા પારજાંબલી કિરણોની તીવ્રતાનું નિયમન ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે. ઓઝોનનું પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ, વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ મહત્વનો ભાગ ભજવે છે. માનવીય કારણોસર ઓઝોનના આ પડમાં ગાબડું પડી રહ્યું છે અને પડ પાતળું થઈ રહ્યું છે.

ઓઝોન વાયુનાં પડને પાતળું કરતા પદાર્થોને અંગ્રેજીમાં ઓઝોન ડીપ્લેશન સબસ્ટન્સીઝ (ઓ.ડી.એસ.) કહે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્‍છશ્વાસ માટેના કૃત્રિમ યંત્રોમાં વપરાતા પદાર્થોની બનાવટમાં, રેફ્રીજરેટરમાં, એરકન્ડીશનરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટર કુલરમાં, બરફનાં મશીનમાં, કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ) તરીકે આવા ઓ.ડી.એસ. પદાર્થો વપરાય છે.

ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા અને લોકોને જાગૃત કરવા ઈ.સ. ૧૯૮૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૧૫૦ દેશોએ ઓઝોનને નુકસાનકારક એવા ક્લોરોફ્લોરોકાર્બનને તબક્કાવાર જાકારો આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ ૧૯૯૪માં ૧૬મી સપ્ટેમ્બરને 'ઇન્ટરનેશનલ ઓઝોન ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણી માટે વિવિધ સ્પર્ધાઓ, ચર્ચા-વિચારણા તથા ઓઝોન પડનું રક્ષણ કરતી બનાવટોની માહિતીનો પ્રચાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ ઓઝોન ફ્ર્રેન્ડલી સાધનો વસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

વૈશ્વિક સ્તરે આ દિશામાં રચનાત્મક અભિગમ કેળવવા પ્રયાસ થઈ રહ્યા છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. વર્ષ  ૨૦૨૧માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય  મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામ ઉદ્યોગ હિતધારકો સાથે જરૂરી મસલતો કરીને ભારત માટે લાગુ પડતા સમયપત્રક મુજબ હાઈડ્રોફ્લોરોકાર્બનના ક્રમશ: ઘટાડા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના વિક્સાવવામાં આવશે. તેમજ ઓઝોનના સ્તરને ઘટાડતા પદાર્થોના નિયમન અને અંકુશ અંગેના હાલના કાનૂની માળખાના સુધારાઓ વર્ષ ૨૦૨૪ સુધીમાં કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૯માં ક્લાયમેટ ચેન્જનો નવો વિભાગ શરૂ કર્યો હતો. ગુજરાત રાજ્ય દેશનું સૌ પ્રથમ અને સમગ્ર વિશ્વમાં ચોથું રાજ્ય છે કે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે અલગથી વિભાગ બનાવ્યો છે. આ વિભાગ ક્લાઈમેટ ચેન્જના મુદ્દાને અનુલક્ષીને સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે.

કેન્દ્ર સરકારના આ પ્રયાસોને સહયોગ આપવા માટે ઉદ્યોગોએ હાઇડ્રોફ્લોરોકાર્બનનો વપરાશ ક્રમશ: ઘટાડીને નોન-એચએફસી અને ગ્લોબલ વૉર્મિંગની ઓછી સંભાવના ધરાવતી ટેકનોલોજીઓ તરફ વળવું જોઈએ. કારણ કે હાઇડ્રોફ્લોરોકાર્બનમાં તબક્કાવાર ઘટાડો ગ્રીનહાઉસ ગેસ સ્ત્રાવો અટકાવશે. જેનાથી આબોહવા પરિવર્તન અટકાવવામાં મદદ મળશે. ત્યારે આપણે પણ 'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે આપણા સૌનું રક્ષણ કરતા ઓઝોનના સ્તરને બચાવવા માટે કટિબદ્ધ થવા સંકલ્પ કરવો જોઈએ.

આલેખન: ભાર્ગવ ભંડેરી, માર્ગી મહેતા

(1:18 am IST)