Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આયુષ્માન કાર્ડની નોંધપાત્ર કામગીરી

આયુષ્માન કાર્ડની ૧૦૦ ટકા કામગીરી કરતું જેતપુર તાલુકાનું દેવકીગાલોળ ગામ

રાજકોટ :કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે  લોકોના આરોગ્યની સુખાકારી માટે આરોગ્યલક્ષી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ભારત સરકારની આયુષ્માન હેલ્થ કાર્ડ યોજના PMJAY લોકોને મદદરૂપ થઈ રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આયુષ્માન કાર્ડ અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જેતપુરના બાવા પીપળીયા, પ્રેમગઢ ગામમાં આયુષ્માન હેલ્થ કાર્ડ અંગેની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે આજરોજ જેતપુરનું દેવકીગાલોળ ગામ આયુષ્માન કાર્ડની ૧૦૦% કામગીરી કરનાર ત્રીજું ગામડું બન્યું છે.

        ઉલ્લેખનીય છે કે આયુષ્માન યોજના અંતર્ગત સરકારી અને સરકાર માન્ય હોસ્પિટલોમાં ગંભીર બીમારીઓ અને ઓપરેશનો માટે રૂ. પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જેમાં કેન્સર, બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રાફટીંગ, ઓર્થોપ્લાસ્ટી, યુરોલોજીકલ સર્જરી, સ્પાઈન સર્જરી, બ્રેઈન ટ્યુમર સહિતની જટિલ બીમારીઓનું નિદાન થઈ શકે છે. આ કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડ, આવકનો દાખલો અને આધારકાર્ડ જરૂરી છે.

   આયુષ્માન કાર્ડની કામગીરી અંગે વધુ વિગતો આપતાં તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુંગશિયાએ જણાવ્યું હતું કે, જેતપુર તાલુકાનું  દેવકીગાલોળ ગામ આજે આયુષ્માન કાર્ડની ૧૦૦%  કામગીરી પૂર્ણ કરનારું ત્રીજું ગામ બનતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. ૩૭૩૭ ની વસ્તી ધરાવતા દેવકીગાલોળ ગામમાં પાત્રતા ધરાવતાં કુલ ૨૮૧૨ લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ કાર્યને સફળ બનાવવા ગામના સરપંચ, મેડીકલ સ્ટાફ,  આશાવર્કર બહેનોનો સહયોગ સવિશેષ રહ્યો હતો.

(1:15 am IST)