Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા રાજશ્રી ટોકીઝના મેનેજરના ખીસ્‍સામાંથી ગઠીયો મોબાઇલ સેરવી છનન

નાગરિક બેંક ચોક પાસે બનાવ : બિપીનભાઇ રાચ્‍છની ભકિતનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫ : નાગરિબ બેંક ચોક પાસે નાગરિક સહકારી બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા રાજશ્રી ટોકીઝના મેનેજરના ખીસ્‍સામાંથી અજાણ્‍યો શખ્‍સ મોબાઇલ સેરવી નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નહેરૂનગર રોડ પર બાપા સીતારામ ચોક પાસે શ્રધ્‍ધા પાર્ક સોસાયટી શેરી નં. ૫/૧, બ્‍લોક નં. ૧૨માં રહેતા અને રાજશ્રી ટોકીઝમાં મેનેજર તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ દેવશીભાઇ રાચ્‍છ (ઉ.વ.૬૪) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ત્રણ દિવસ પહેલા પોતે નાગરિક બેંક ચોક પાસે આવેલ નાગરિક બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્‍યાં એટીએમમાં બે થી ત્રણ વ્‍યકિત પૈસા ઉપાડતા હોઇ જેથી પોતે એટીએમની બહાર ઉભા હતા ત્‍યારે પોતાના શર્ટના ખીસ્‍સામાં રાખેલ રૂા. ૧૦,૦૦૦ની કિંમતો મોબાઇલ ફોન જોવા મળ્‍યો ન હતો. એટીએમમાંથી કોઇ અજાણ્‍યો શખ્‍સ બહાર નીકળેલ અને પોતાને ધક્કો લાગ્‍યો હતો. તે શખ્‍સ મોબાઇલ સેરવી લીધો હોવાની ખબર પડી હતી બાદ પોતે એટીએમની બહાર આજુબાજુ તપાસ કરતા કોઇ જોવા મળ્‍યું ન હતું. આ અંગે પોતે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. જયેશભાઇ જાટીયાએ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)