Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ટુવ્‍હીલરની ડેકી ઉંચકાવી બે શખ્‍સ ૧.૧૯ લાખ ચોરી ગયાઃ આંગડીયા પેઢીથી જ પીછો કર્યો હતો

નાના મવા અલય પાર્ક રોડ પર ટી વન મદ્રાસ કાફે સામે સમી સાંજે બનાવ : ઘડીયાળ રિપેરીંગનું કામ કરતાં જીતેશભાઇ પટેલને આ રકમ અમદાવાદના વેપારીએ ગોંડલ રોડના કિર્તી અંબા આંગડીયા મારફત મોકલી હતીઃ ફૂટેજને આધારે તાલુકા પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૫: નાના મવા સર્કલ અલય પાર્ક રોડ પર મદ્રાસ કાફે ખાતે ઢોસા લેવા ઉભેલા ઘડીયાળના કારીગર પટેલ યુવાનના ટુવ્‍હીલરની ડેકી વચ્‍ચેથી ઉંચી કરી અંદરથી રૂા. ૧,૧૯,૭૫૦ની રોકડ ચોરી જવાઇ હતી. બાઇક પર આવેલા બે શખ્‍સે આ ચોરી કરી હોઇ ફૂટેજ પરથી પોલીસે તપાસ આદરી છે. બંને ચોરે ગોંડલ રોડ આંગડિયા પેઢી પાસેથી જ યુવાનનો પીછો કર્યો હતો અને બાદમાં હાથ અજમાવ્‍યો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ સામે કોસ્‍મો સ્‍પ્રાઇટ એપાર્ટમેન્‍ટ બી-૮૦૨માં રહેતાં અને સોરઠીયા વાડી પાસે પટેલનગરમાં ઘડીયાળ રીપેરીંગની દૂકાન ચલાવતાં જીતેશભાઇ વલ્લભભાઇ રંજુડીયા (પટેલ) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ચોરીનો ગુનો નોંધ્‍યો છે. બે શખ્‍સના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્‍યા હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.  જીતેશભાઇએ જણાવ્‍યું હતું કે ૧૪મીએ સાંજે સવા છએક વાગ્‍યે હું મારું એક્‍સેસ જીજે૦૩એલએસ-૩૧૦૬ લઇને ગોંડલ રોડ બોમ્‍બે હોટલ પાસે કિર્તી અંબા આંગડિયા પેઢડીમાંથી રૂા. ૧,૧૯,૭૫૦ ઉપાડીને ઘરે જવા નીકળ્‍યો હતો. આ રકમ ઘડીયાળ રિપેરીંગ પેટે અમદાવાદના વેપારી તરફથી મને મોકલવામાં આવી હતી.

આ પૈસા મેં ટુવ્‍હીલરની ડેકીમાં રાખ્‍યા હતાં. આશરે પોણા સાતેક વાગ્‍યે નાના મવા સર્કલ અલય પાર્ક મેઇન રોડ પર ટી વન મદ્રાસ કાફેમાં ઢોસા લેવા ઉભો રહ્યો હતો. ત્‍યારે એક્‍સેસ કાફેની સામે જ પાર્ક કર્યુ હતું. એ પછી ઢોસા લઇ હું ઘરે પહોંચ્‍યો હતો. ત્‍યારે ડેકી ખોલીને જોતાં અંદર પૈસા નહોતાં. ફરીથી હું મદ્રાસ કાફેએ ગયો હતો અને ત્‍યાં નજીકમાં સીસીટીવી કેમેરા હોઇ તે તપાસતાં બાઇક પર બે શખ્‍સ આવતાં અને એક નીચે ઉતરી મારા વાહનની ડેકી વચ્‍ચેથી બળપુર્વક ખેંચી ઉંચકાવીને બાઇક પાછળ બેસીને નીકળી જતો દેખાયો હતો. આ બે શખ્‍સમાં ચાલકે હેલ્‍મેટ પહેરી હતી અને રોકડ ચોરી લેનાર ઉઘાડા મોઢે હતો. આ ફૂટેજ જોયા બાદ મેં તાલુકા પોલીસને જાણ કરી હતી.

જીતેશભાઇની આ વિગતને આધારે તાલુકાના હેડકોન્‍સ. પી. વી. જીલરીયાએ ગુનો નોંધ્‍યો હતો. જીતેશભાઇએ જણાવ્‍યું હતું કે આંગડિયા પેઢી આસપાસના ફૂટેજ ચેક કરતાં ખબર પડી હતી કે આ બંને છેક ત્‍યાંથી મારો પીછો કરતાં હતાં અને હું ઢોસા લેવા ઉભો રહ્યો એ દરમિયાન તેણે ડેકી ઉંચકાવી ચોરી કરી લીધી હતી. પોલીસે ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

(4:01 pm IST)