Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ડેમ ઓવરફલો છતા અડધા રાજકોટમાં પાણીના ધાંધીયા

ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશનમાં ટેકનીકલ ખામી સર્જાતા નર્મદા આધારીત વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦,૧૧,૧૩નાં ગાંધીગ્રામ, રૈયાધાર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયારોડ, ચંદ્રેશનગર સહિતનાં વિસ્‍તારોમાં અસરઃ તંત્ર ઉંધા માથે : ૩ થી ૫ કલાક મોડુ પાણી વિતરણઃ લોકોમાં ભારે દેકારો

રાજકોટ,તા.૧૫: રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ- ચાર  દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક થવા પામી છે. તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી, ન્‍યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટવાસીઓનું આખા વર્ષનું જળ સંકટ તણાઈ ગયું છે છતા ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશનમાં ટેકનીકલ ખામી સર્જાતા નર્મદા આધારીત વોર્ડ નં.૧,૨,૮, ૯,૧૦,૧૧,૧૩નાં ગાંધીગ્રામ, રૈયાધાર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયારોડ, ચંદ્રેશનગર સહિતનાં અડધા વિસ્‍તારોમાં  આજે ૩ થી ૫ કલાક પાણી મોડુ વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.
આ અંગે મનપાનાં વોટર વર્કસ શાખાના સતાવાર સુત્રોનાં જણાવ્‍યા પ્રમાણે નર્મદા પાણીનું વીતરણ થતા ઢાંકી  ૨૨૦ કેવી ફસ્‍ટ સ્‍ટેશને ટેકનીકલ ખામી સર્જાતા થતા રાજકોટનાં  રૈયાધર અને ચંદ્રેશનગર હેડવર્કસ ખાતે નર્મદાનું પાણી  બંધ રહેતા અને વધુ સ્‍ટોરેજ ન હોવાને કારણે આજે વેસ્‍ટ ઝોન અને સેન્‍ટ્રલ ઝોન હેઠળનાં  નર્મદા આધારીત વિસ્‍તારમાં પાણી વિતરણ પર અસર જોવા મળી હતી.
આજે સવારે નર્મદાનું પાણી શરૂ થતા વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦ નાં વિસ્‍તારોમાં પાણી વિતરણ સવારનાં ૭ વાગ્‍યાના બદલે બપોરે ૧૨ વાગ્‍યા આસપાસ તથા વોર્ડ નં.૧૧,૧૩માં ૧૦ વાગ્‍યે એટલે ૩ થી ૬ કલાક પાણી મોડુ વિતરણ કરવામાં આવ્‍યુ હતુ.
પાણીની લાઇનમાં ભંગાણ
મનપાના ઇજનેરી સુત્રોનાં જણાવ્‍યા પ્રમાણે જોગાનુજોગ ગત રાત્રીનાં ન્‍યારી-૧ ડેમ થી રૈયાધાર ખાતેની પાણી ટ્રાન્‍સફર લાઇન તુટી જવા પામી હતી. જેના કારણે અમુક વિસ્‍તારોમાં પાણીનાં ધાંધીયા સર્જાયા હતા. આ લાઇન યુધ્‍ધનાં ધોરણે રીપેરીંગ કરવામાં આવ્‍યુ હતુ.

 

(3:56 pm IST)