Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સદ્દભાવના વૃધ્‍ધાશ્રમઃ જેવું નામ એવું જ સેવાનું કામ

પથારીવશ વ્‍યકિતઓ (કોઈપણ ઉંમરના)ને પ્રવેશ અપાશેઃ પોતાની આસપાસમાં કોઈ નિરાધાર, નિઃસહાય પથારીવશ વ્‍યકિત (કોઈપણ ઉંમરના) જોવા મળે તો તુરંત રાજકોટ સુધી પહોંચાડવા અનુરોધ

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આર.સી.સી. બેન્‍કના સીઈઓ શ્રી પુરૂષોતમભાઈ પીપળીયા અને સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના શ્રી વિજયભાઈ ડોબરીયા (મો.૯૮૨૫૨ ૨૮૯૯૯)નજરે પડે છે.

રાજકોટઃ વૃધ્‍ધાશ્રમએ ભારતીય સંસ્‍કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ કમનસીબે સંયુકત કુંટુંબ વ્‍યવસ્‍થા તુટતા જતા  ઘણા વ્‍યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્‍ધાશ્રમમાં નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્‍ધોને, નિયમાનુસાર અને સંસ્‍થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્‍યે આપવામાં આવે છે.

વૃધ્‍ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃધ્‍ધ વ્‍યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્‍યે આપવામાં આવે છે. ગુજરાતના સૌથી મોટા આ વૃધ્‍ધાશ્રમમાં હાલ ૫૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યા છે. તેમાંથી ૧૭૦ વડીલો પથારીવશ (ડાયપરવાળા) છે. સાવ પથારીવશ વ્‍યકિતઓ (કોઈપણ ઉંમરનાં) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્‍યતીત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્‍યુ વહેલું આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્‍યકિતઓ (કોઈપણ ઉંમરનાં)માટે સદભાવના વૃધ્‍ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્‍યો છે.

આવા પથારીવશ વ્‍યકિતઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્‍ધાશ્રમ પોતાની ફરજના ભાગ રૂપે નિઃશુલ્‍ક આશ્રય અપાઈ રહ્યો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્‍યકિતઓ (કોઈપણ જોવા મળે તો તેમને સદભાવના વળધ્‍ધાશ્રમઃ (રાજકોટ) સુધી પહોચાડવા જાહેર વિનંતી કરાઈ છે.

સદભાવના વૃધ્‍ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્‍ટેટ બનાવવાનું મહત્‍વાકાંક્ષી સ્‍વપ્‍ન છે. પ્રથમ તબકકામાં રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવનાર છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. રાજકોટને ગ્રીન સીટી બનાવવાનો સંકલ્‍પ સાથે કાર્યરત સદભાવના વૃધ્‍ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્‍યું છે. શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહ્યું છે. જેને ખુબ ટૂંકા સમયમાં ૧૭ લાખ વૃક્ષો વિનામુલ્‍યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્‍યું છે, વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ, તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્‍થા દ્વારા વૃક્ષોનાં વાવેતર સાથે તેને પીંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્‍થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.

સદભાવના વૃધ્‍ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહ્યા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાના સંકલ્‍પ સાથે નાની એવી સંસ્‍થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવળક્ષ બનીને લોકપ્રિય બની છે. હાલ કોરોનાની મહામારી વચ્‍ચે પણ વિજયભાઈ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્‍ધાશ્રમની ફૌજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્‍થા હાલ ૨૨૦ ટ્રેકટર, ૨૨૦ ટેન્‍કર વડે વૃક્ષોને નિયમિત રીતે પાણી પીવડાવી ૭૦૦ લોકોનો પગારદાર સ્‍ટાફ આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. જે માટે રાજ્‍ય સરકારે ‘ધ ગ્રીન મેન' વિજયભાઈ ડોબરીયા ‘વન પંડિત' એવોર્ડથી સન્‍માન પણ કર્યું હતું.

રાજકોટ શહેરમાં જુદા-જુદા અનેક રસ્‍તાઓ પર વૃક્ષારોપણ કરીને રળિયામણા કરવામાં આવ્‍યા બાદ હવે સદભાવના વૃધ્‍ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઈ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. રાજકોટથી મોરબી ૬૦ કિમીના રસ્‍તાની બંને સાઈડ ઉપર આ વર્ષે વૃક્ષારોપણનું કામ શરૂ થયું છે. તે જ રીતે હવે રાજકોટથી ભાવનગર સુધી ૧૭૦ કી.મી.ના હાઈ-વે ઉપર વળક્ષારોપણ થઈ ગયું છે. એક સમયે આ હાઈ-વે વળક્ષોથી રળીયામણા હતા, પરંતુ ફોરટ્રેક અને સિકસટ્રેક થતાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે.

તેથી ફરીને આ હાઈ-વે હરિયાળા કરવાનું અભિયાન સ્‍વૈચ્‍છિક રીતે, માત્ર પર્યાવરણની સેવાની ભાવનાથી હાથ ધરવામાં આવ્‍યું હોવાનું જણાવી આ અભિયાનના સૂત્રધાર વિજયભાઈ ડોબરિયાએ જણાવ્‍યું હતું કે રાજકોટમાં અમે ૭૧ હજાર પરિવારોના ઘર આંગણે ળવૃક્ષો ઉછેર્યા છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાર્યું છે. લોખંડના પીંજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્‍યા બાદ આખું વર્ષ ટેન્‍કર દ્વારા તેને પાણી પીવડાવવામાં આવે છે. કોઈ કારણથી રોપોને નુકસાન થયું હોય તેની જગ્‍યાએ બીજા રોપાનું વાવેતર કાર્યકરો કરી આપે છે. પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્‍થળોએ ૨ લાખ ૮૭ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એક સમયે અહી ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરિયાળા વૃક્ષો કતારબંધ જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગો જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે તેમ સૌરાષ્‍ટ્રને જોડતા હાઈવે પણ હરિયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે. તેમ શ્રી વિજયભાઈ ડોબરીયાએ એક યાદીના અંતમાં જણાવ્‍યું છે.

  •  સમગ્ર ગુજરાત- સૌરાષ્‍ટ્રનાં મુખ્‍યમાર્ગો પર  વૃક્ષારોપણ કરાશે
  •  દેશીકુળના વૃક્ષોથી રાજકોટને જોડતા તમામ હાઈવે બનશે હરીયાળા
  •  પ્રથમ તબકકામાં મોરબી, ભાવનગર હાઈ-વે પર વૃક્ષારોપણ કરાયું
  •  અત્‍યાર સુધીમાં સતર લાખ વૃક્ષો વવાયા, ત્રણ વર્ષ સુધી તેનો ઉછેર પણ કરાશે
  •  જાપાનીઝ મિયાવાકી પધ્‍ધતિથી યુનીવર્સીટી કેમ્‍પસમાં અને અન્‍ય ૮૦ સ્‍થળોએ નિર્માણ પામ્‍યા ગાઢ જંગલો

 

બળદને સદ્દભાવના બળદ આશ્રમમાં જીવનભર નિઃશુલ્ક આશ્રય અપાશે

હાલ ૫૦૦ બળદોને આશરો, નિરાધાર બળદ દેખાય તો તુરંત સ્થાને જાણ કરો

સદભાવના બળદ આશ્રમ (ગામઃ છત્તર , છત્તર પ્રાથમિક શાળાની સામે, રાજકોટ મોરબી હાઈ-વે, તા. ટંકારા, જી. મોરબી મો.-૭૬૨૧૦ ૫૮૯૪૭) દ્વારા બળદોની જિંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે.  તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ ન હોતી, ત્યારે મુસાફરી કરવા તેમજ માલસામાનની હેરફેર કરવા માટે બળદ ગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો આમ તે તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય, ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌ વંશ બળદને સદભાવના બળદ આશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર, હાઈ-વે પર બળદ છુટા, રખડતા, લાચાર- બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ જોવા મળે તો તરત જ સદભાવના બળદ આશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રિત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ-બિમારીથી કમોતે મરતા ૧૦,૦૦૦ જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક આજીવન આશરો આપવામાં આવશે. હાલમાં પણ ૫૦૦ જેટલા બળદોને આશરો અપાય ચુકયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરી ને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ સંસ્થાને મો.૭૬૨૧૦ ૫૮૯૪૯ પર ફોન કરીને જાણ કરવા સદભાવના બળદ આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાની યાદીમાં જણાવાયું છે.

સ્‍થળ

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ પીપળીયા ભવન, સ્‍વામિનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ, ફાટક પાસે, ઓવરબ્રીજ નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ મો.૮૫૩૦૧ ૩૮૦૦૧/ મો.૮૦૦૦૨ ૮૮૮૮૮

(3:48 pm IST)