Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગિરનારના રહસ્‍યોની દિવ્‍ય અનુભૂતિ કરાવતુ પુસ્‍તક ‘ગિરનારના ગૂઢ રહસ્‍યો'

સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ તપોભૂમિ જૂનાગઢમાં વસેલ ગિરનાર એ સિદ્ધક્ષેત્ર છે. અહીં અનેક સિદ્ધા મહાત્‍માઓ અને સાક્ષાત ઈશ્વરનો વાસ છે ત્‍યારે મૂળ બેંક ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા જીત જોબનપુત્રાએ તેમના અનુભવોના નિચોડ રૂપે એક અદભૂત પુસ્‍તક લખ્‍યું છે ‘ગિરનારના ગૂઢ રહસ્‍યો.'
જૂનાગઢમાં જ ગીરનારી સંતોના પરિચયથી રહસ્‍યવાદના પાયા લેખકમાં નંખાયા. ગિરનારના વારંવાર પરિભ્રમણથી કેટલાક અગોચર અનુભવો તેમને થયા. કેવળ તર્કથીજ મૂલ્‍યાંકન ન થાય તેવી ઈન્‍દ્રિયાતીત શક્‍તિઓથી ગિરનાર સભર છે તેવી માન્‍યતા દ્રઢીભૂત થઈ અને તેમણે રહસ્‍યવાદ પ્રત્‍યે લગાવને કારણે અપૂજ દેવાલયો, ધુણાઓ, સમાધિઓ, સંતોના આસનો અને અનેક ગુફાઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને ગિરનારમાં તથા અનેક સ્‍થાનિક ડુંગરોમાં રઝડપાટ પણ કર્યો.  લેખકે પુસ્‍તકમાં એવી ઘટનાઓનો જ સમાવેશ કર્યો છે જેમાંથી તેમને કોઈ અગોચરની ઝાંખી થઈ હોય. માહિતીમાં રોચકતા લાવવા માટે કલ્‍પનાના કોઈ જ રંગો પૂરવામાં આવ્‍યા નથી. જીત જોબનપુત્રાએ કેટલાક તથ્‍યો તારવ્‍યા છે જે મુજબ એવું કોઈ ગુઢવાદી તત્‍વ અવશ્‍ય છે જ જે પ્રેરણા પૂરી પાડે છે. આવી અનુભૂતિઓ અને આધ્‍યાત્‍મિકતાને કોઈ સંબંધ નથી. અપૂજ સ્‍થાનકોમાં તીવ્ર ઉર્જા અનુભવાય છે. વગેરે.
જીત જોબનપુત્રાએ ‘ગિરનારના ગૂઢ રહસ્‍યો' પુસ્‍તકમાં તેમણે ગિરનારમાં કઈ રીતે રઝળપાટ કર્યો, મિત્રો સાથે કયા રસ્‍તે કેવી રીતે ગયા તે તારીખ, મહિના અને વર્ષ સાથે તેમજ કઈ જગ્‍યાએ કેવી અલૌકિક તેમજ દિવ્‍ય અનુભૂતિઓ થઈ તેનું સચોટ નિરૂપણ કર્યું છે. તેમણે ગિરનારી મહારાજની કરૂણાના લેખથી શરૂઆત કરી છેલ્લે કૈલાસ માનસરોવરની યાત્રા પણ આ પુસ્‍તકમાં સમાવિષ્ટ કરી છે. ૧૯૨ પાનના આ પુસ્‍તકમાં કુલ ૪૬ લેખોનો સમાવેશ કરાયો છે. જેમાં ગિરનારી ગુફામાં દિવ્‍ય અનુભૂતિ, ભ્રામરી ગુફા, ગિરનારના અગોચર સંકેત, આશ્ચર્યજનક ઘટનાઓ, ઉત્તર ગિરનારનું આરોહણ, પાઘડાવાળા બાપુ, નાગદાદાનું સ્‍થાનક, અનસૂયાની ટૂંકની એક રહસ્‍યમય યાત્રા, ગિરનારના અગોચર સંકેત, ઔષધ અને આશીર્વાદ, દાતારની વાતો, ગિરનારી ગુરૂ મહારાજ ઉપરાંત સાધુ લાલદાસ, શબ્‍દ સંકેત, બનુમાના આશીર્વાદ, બરડા ડુંગરની વિવિધ યાત્રા, માછરડા નો પ્રવાસ, કર્મનો નિયમ, યોગી શ્રી ત્રિલોકનાથ, બ્રહ્મશક્‍તિ માતાજી, જોગણિયાની દિવ્‍ય સુગંધ વગેરે અનેક રસપ્રદ અને રહસ્‍યોથી ભરપૂર આલેખન શબ્‍દશઃ અને સચોટ રીતે ખૂબ જ રસપૂર્વક કર્યું છે.
પ્રત્‍યેક ઘટનામાં ચમત્‍કૃતિનો અંશ હોવા છતાં લેખકે કોઈ એવું અતિશયોક્‍તિ પૂર્વકનું ચિત્રણ કર્યું નથી પણ વિવેકપૂર્ણ અને વાસ્‍તવિક નિરૂપણ કર્યું છે. આ પુસ્‍તકના માધ્‍યમથી લેખકે હિમાલયના પ્ર પિતામહ કહેવાય એવા પ્રાચીન ગૌરવવંતા ગિરનાર વિશે રહસ્‍યમય ઘટનાઓ ઉજાગર કરી છે તે ગિરનાર પ્રત્‍યે આકર્ષિત જનસમૂહમાં પ્રાણ પૂરશે તે ચોક્કસ છે. લેખકને દિવ્‍ય સુગંધનો અનુભવ, ગુફામાંથી ઝાલર નગારાના અવાજ, ઓમકારનો નાદ, દૃષ્ટિ સમક્ષ જ વસ્‍તુઓનું ગુમ થઈ જવું, માથું અને તાવ ઉતરવા ની ઘટના, સંકેત પ્રમાણે ગિરનારમાં ગુફાઓની શોધ ઇત્‍યાદિનું આ પુસ્‍તકમાં અદભુત અને આヘર્યકારક વર્ણન થયું છે. ગિરનાર પ્રત્‍યે અને ગૂઢવાદ પ્રત્‍યે રૂચિ રાખતા સર્વે સાધકગણને આ પુસ્‍તક પ્રેરણાદાયી નીવડશે.

પુસ્‍તક : ગિરનારના ગૂઢ રહસ્‍યો
લેખક :  ડો. જીત જોબનપુત્રા
પ્રકાશક : પ્રવિણ પ્રકાશન પ્રા. લિ.
પ્રથમ આવૃતિ : ૨૦૨૨
મુદ્રક : પ્રવિણ પ્રકાશન પ્રા. લિ.
કિંમત : રૂ. ૨૨૫/-

 

(3:46 pm IST)