Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બેઠા ગરબાની પરંપરા આજે પણ જળવાઇ રહી છે

આવ્‍યાં માના નોરતા...રંગે રમે આનંદે રમે..

રૂમઝુમ કરતા શારદીય નવરાત્રિનો તા. ૨૬/૦૯થી પ્રારંભ થઇ રહ્યો છે. માની સ્‍તુતિ અને આરતી ઉપરાંત બેઠા ગરબા ગાઇને માને પ્રસન્ન કરે છે. નાગર જ્ઞાતિના ભાઇ-બહેનો-સમુહમાં એકત્ર થઇને એકજ સુર,લય અને તાલમાં ઝુમી ઉઠે છે. માઇ ભકતો,

બેઠા ગરબાની પરંપરા પ્રાચીન અને લોકપ્રિય છે, વર્ષો પહેલા જુનાગઢમાં જ શરૂ થઇ હતી બેઠા ગરબા ગાવાની પરંપરા-જુનાગઢના નાગર સદગૃહસ્‍થ પથુભાઇ વૈદ્ય તથા તેમના પત્‍ની તનુમતીબેનના ઘરમાં માં તુલજા ભવાનીનું સ્‍થાનક હતું. અહીં બેઠા ગરબા ગાવામાં આવતા હતા. આજથી કેટલાક વર્ષો પહેલા માત્ર પુરૂષો જ ઉભા કે ફરતા ગરબા લેતા હતા પરંતુ એ પછી બહેનો પણ તેમા જોડાયા બન્‍ને સાથે મળીને ગરબા ગાતા થયા ત્‍યાર બાદ બહેનો અનુ ભાઇઓએ બેઠા બેઠાં જ ગરબા ગાવાનું શરૂ કર્યુ.

ભૂતકાળની વાત કરીએ અને ઇતિહાસ પર નજર નાખીએ તો જ્‍યારે મોગલ સલ્‍તનતનું શાસન હતું ત્‍યારે નાગર જ્ઞાતિની સ્‍વરૂપવાન અને સોહામણી કન્‍યાઓ બહુ બહાર નીકળતી નહી આથી ઘરમાં જ બેસીને બેઠાં બેઠાં જ માતાજીની આરાધના, સ્‍તુતી અને ગરબા ગાવાની રીતનો પ્રારંભ થયો.

સુપ્રસિધ્‍ધ અને લોકપ્રિય ગરબાના રચનાર રણછોડરાય દિવાને તેર કવચના ગરબા રચ્‍યા, જે ચંડિપાઠનો પ્રકાર ગણાવી શકાય. આ ગરબાઓ માંગરોળ, જુનાગઢ,વેરાવળ જેવા વિસ્‍તારોમાં પ્રસિધ્‍ધ થયા, જે હવે આજે બધે ગવાય છે.

રાજકોટમાં મનહર પ્‍લોટમાં પ્રખર માઇભકત માર્કેંડભાઇ વસાવડા(માઇ કલાપી) એ માઇ મંદિર બનાવ્‍યુ. અનેક ગરબાઓની રચના કરી અને તે લોકપ્રિય થયા. નોરતા સિવાય પણ  આ મંદિરમાં આજે પણ બેઠા ગરબા ગવાય છે. આ ગરબાઓ થોડા ધીમા પણ શાષાીય રાગો પર આધારિત હોય છે. રાજકોટમાં માલવિયા કોલેજ પાછળ જુનાગઢના રાજકવિનુ  બીરૂદ પામેલા કવિ સુમન્‍તના નિવાસ સ્‍થાનમાં પીતાંબરા (બગલામુખી) માતાનું ઘર મંદિર છે કવિ સુમન્‍તન ગરબાઓ પણ પ્રચલિત છે. કવિ સુમન્‍તના ગરબા તેમના પુત્ર વિરંચીભાઇ તથા પુત્રી નયનાબેન દેસાઇ ગાય છે. અને ધુમ મચાવે છે. બુલબુલભાઇના નામે પ્રખ્‍યાત વિરંચીભાઇએ બેઠા ગરબાની પરંપરા જાળવી રાખી છે.

જામનગરના સ્‍વ. રામભાઇ ધોળકિયાના ગરબાઓ અને ત્‍યાનો ઇશ્વર વિવાહ ધુમ મચાવે છે. જુનાગઢના ગણેશ ફળીયામાં વર્ષો પહેલા રહેતા અને ભગવતી મંદિર વાળા તરીકે પ્રખ્‍યાત થયેલા આ પ્રભુલાલભાઇ બુચ, સ્‍વ. વિનાયક (લાલભાઇ) બુચ સ્‍વ. બહાદુરભાઇ (બાલાભાઇ) બુચ પરિવારની માતાજીની આસ્‍થા, શ્રધ્‍ધા અને ભકિત ખુબજ જાણીતી છે. તેમના પરિવારમાં ૯૨ વર્ષથી માનું સ્‍થાપન થયેલુ છે.

રાજકોટમાં રજપુતપરામાં આ વેલ સ્‍વ. જય અંબે લાલભાઇ દવેના જીવંતિકા આદ્યસ્‍થાનમાં દયા-કલ્‍યાણના ગરબાઓ ગવાય છે. સાથે સાથે આનંદના ગરબાનું અનુષ્‍ઠાન પણ થાય છે. વૈશાલીનગર, રાજકોટના ગાયત્રી શકિતપીઠમાં પણ બેઠા ગરબાઓ રંગત લાવે છે. અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા દ્વારા સામુહિક ઘટ સ્‍થાપનમાં દરરોજ જુદાં જુદાં મંડળોના ગરબાઓના કાર્યક્રમ રાખવામાં આવે છે.

બેઠા ગરબાઓમાં હારમોનીયમ, ખંજરી, મંજીરા, કરતાલ, ઝાંઝ તથા ઢોલક હોય છે. રાજકોટના બાવીશી ભુવનમાં બાવીસી માની સ્‍થાપના હતી જે હવે સોની બજાર કોઠારીયા નાકામાં એક ગોલ્‍ડમોલમાં એક સ્‍થળે છે.

રાજકોટનાં શ્રીમતી કલ્‍યાણીબેન વછરાજાની તથા તેમના આરાધના ગૃપના બેઠા ગરબાઓને સ્‍ટેજ પર સ્‍થાન આપવામાં આવ્‍યું. તેથી બેઠા ગરબાની પરંપરામાં ચાર ચાંદ લાગ્‍યા છે. નવરાત્રીના સપરમાં દિવસોમાં બેઠા બેઠા જ ગવાતા ગરબા, આરતી, સ્‍તુતિ અને સ્‍તોત્રોનો આનંદ જ ઔર છે. નવરાત્રી આવી રહ્યા છે ત્‍યારે આપણે મેદાનના આધુનિક ગરબા, ગરબીઓની સાથે જ ગરબા ફોર્મ હોમ' માનીને ભગવતીની અખંડ ઉપાસના કરીને ગરબાના રંગમાં રંગાઇએ.. જય અંબે

(3:42 pm IST)