Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટના ખેલાડીઓ રમત-ગમતમાં શ્રેષ્‍ઠ યોગદાન આપે

૩૬મી નેશનલ ગેમ્‍સ : યુનિ. ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટસ એકિટવેશનનો પ્રારંભ : મેસ્‍કોટ ‘સાવજ'નું લાઇવ નિર્દેશન : મેયર ડો. પ્રદિપ ડવનો અનુરોધ : નેશનલ ગેમ્‍સની યજમાની બદલ સરકારનો આભાર માનતા કલેકટર

રાજકોટ તા. ૧૫ : ૩૬મી નેશનલ ગેમ્‍સ અન્‍વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી પ્રત્‍યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્‍યથી વાહન વ્‍યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્‍થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્‍પનો પ્રારંભ થયો હતો, જેની થીમ -‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્‍પોર્ટસ'(એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે.

આ પ્રસંગે મેયરશ્રી પ્રદીપભાઈ ડવએ પ્રવચનમાં રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. રાજય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રમતોને પ્રોત્‍સાહન આપવા માટે કરાઈ રહેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા મેયરશ્રી પ્રદીપભાઈએ ખેલાડીઓને ખેલદિલીની ભાવના થકી જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી.

જિલ્લા કલેક્‍ટર અરૂણ મહેશ બાબુએ સ્‍વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકાર્યા હતા અને નેશનલ ગેમ્‍સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજય સરકાર પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્‍પસમાં યોજાયેલી વિવિધ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન મહાનુભાવોએ નિહાળ્‍યું હતું તથા આ રમતો રમીને બાળપણ તાજું કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. શહેરના ઉભરતા ખેલાડીઓએ વિવિધ રમતોનું ઉપસ્‍થિતો સમક્ષ નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્‍સના મેસ્‍કોટ ‘સાવજ'એ ઇન્‍ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્‍કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માનપત્ર તથા પુરસ્‍કારના ચેક આપી બહુમાન કરાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડી.સી.પી.પ્રવીણ કુમાર મીના, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, રમત-ગમત અધિકારી વી.પી. જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી, વિવિધ ભવનોના વડાઓ, વિવિધ રમતોના પ્રશિક્ષકો તથા મોટી સંખ્‍યામાં છાત્રો અને ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન પરેશ વડગામાએ કર્યું હતું.

(3:39 pm IST)