Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મનપા કર્મચારીઓ મેદાને : શનિવારે સામાન્‍ય સભાના દિવસે સામૂહિક રજા

કર્મચારીઓની માંગણીઓ માટેની હક્ક અધિકાર યાત્રા આગળ વધશે : કાલે કાળી પટ્ટી ધારણ કરશે : આંદોલનના કાર્યક્રમોમાં જોડાવવા કર્મચારી યુનિયનોની ત્રણેય ઝોનના તમામ વિભાગના કર્મચારીઓને કરાઇ અપીલ

સૂત્રોચ્‍ચાર : મ્‍યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પણ તેમની પડતર માંગણી સાથે આંદોલનનું રણશીંગુ ફુંકયુ છે ત્‍યારે તમામ યુનિયનોની સંકલન સમિતિએ આવતીકાલથી કાળીપટ્ટી, માસ સી.એલ., પેન ડાઉન, હડતાલ સહિતના આંદોલનાત્‍મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારે આ આંદોલનમાં તમામ વિભાગના કર્મચારીઓને જોડાવા સમિતિ અને આજે સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં સૂત્રોચ્‍ચાર કરી અપીલ કરી હતી તે વખતની તસ્‍વીર.(તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૫ : મનપાના કર્મચારીઓએ પણ તેમની પડતર માંગણી સાથે આંદોલનનું રણશીંગુ ફુંકયું છે ત્‍યારે તમામ યુનિયનોની સંકલન સમિતિ દ્વારા ‘કર્મચારી  હક્ક - અધિકાર યાત્રા' હેઠળ આવતીકાલે તા. ૧૬ના તમામ કર્મચારી કાળીપટ્ટી ધારણ કરી આંદોલન શરૂ કરશે. જ્‍યારે તા. ૧૭ના શનિવારે મનપાના જનરલ બોર્ડના દિવસે સામુહિક રજા અને તા. ૩૦ના રોજ બેમુદ્દત હડતાલ સહિતના એલાન આપી દેવામાં આવ્‍યા છે.

કોર્પોરેશનમાં નોંધાયેલ યુનિયનમાં કર્મચારી પરિષદ મહામંડળ, પછાત વર્ગ મ્‍યુનિ. કર્મચારી મંડળ, ચોથા વર્ગ એકતા મંડળ, ડ્રાઇવર એસો., સફાઇ કામદાર જાગૃતિ મંડળ તથા એન્‍જીનિયરીંગ એસોસીએશન છે જેના પ્રતિનિધિઓની સંકલન સમિતિ દ્વારા કર્મચારી અધિકાર યાત્રા સ્‍વરૂપે આંદોલનાત્‍મક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્‍યા છે. જેમાં તા. ૧૬ના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે. તા. ૧૭ના રોજ માસ સીએલ, તા. ૨૨ના કર્મચારીઓ દ્વારા પેનડાઉન, તા. ૩૦ના રોજ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્‍યું છે ત્‍યારે આ આંદોલન કાર્યક્રમોમાં કર્મચારીઓને જોડાવવા મનપાના તમામ યુનિયનોની સંકલન સમિતિ દ્વારા તબક્કા વાઇઝ ત્રણેય ઝોનના તમામ વિભાગોમાં ફરી અપીલ કરી સૂત્રોચ્‍ચારો કરવામાં આવ્‍યા હતા.

અત્રે નોંધનિય છે કે આગામી તા. ૧૭ સપ્‍ટેમ્‍બરના મનપાની દ્વિવાર્ષિક જનરલ બોર્ડ મળનાર છે ત્‍યારે સંકલન સમિતિ દ્વારા માસ સીએલની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેશન લોબીમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ આ માસ સીએલમાં જોડાશે કે શું ? તે અંગે સમય જ કહેશે.

(3:38 pm IST)