Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મોંઘવારી વધી છે..અમારૂ પણ માનદ વેતન રૂપિયા ૫૦૦ કરો : હોમગાર્ડઝ જવાનોએ ધોકો પછાડયો..

શહેર હોમગાર્ડઝ દળના સભ્‍યોએ હોમગાર્ડઝ કચેરીએથી રેલી કાઢી કલેકટરને આવેદન આપ્‍યુ : પરેડ, ભોજન ભથ્‍થા વધારવા તથા નિવૃત વયમર્યાદા વધારવા પણ માંગણી

તસ્‍વીરમાં હોમગાર્ડઝ દળના જવાનોની નીકળેલ રેલી અને બીજી તસ્‍વીરમાં કલેકટરને આવેદન અપાયુ હતું તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૧૫ : વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્‍યારે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ દ્વારા પગાર વધારાના મુદ્દે રજુઆતો થઇ રહી છે. આજે શહેર હોમગાર્ડઝ દળના જવાનોએ માનદવેતન વધારવાની માંગણી સાથે  હોમગાર્ડ કચેરીથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટરને આવેદન આપ્‍યુ હતું.

આવેદનમાં જણાવ્‍યું હતું કે,  હાલમાં હોમગાર્ડ દળના જવાનો પોતાના રહેણાંક શહેર/ગામના પોલીસ સ્‍ટેશનમાં રાત્રી ફરજ તેમજ દિવસ ફરજ તેમજ પોલીસની સાથે રહી રાજયની આંતરિક સલામતી અને પ્રજાના જાન-માલનું રક્ષણ કરવા માટે, ટ્રાફીક નિયમન, રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશન,  ચૂંટણી બંદોબસ્‍ત, મકરસંક્રાતી બંદોબસ્‍ત, હૉળી ધુળેટી બંદોબસ્‍ત, તાજીયા બંદોબસ્‍ત, ઈદ બંદોબસ્‍ત, ઘો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષા બંદોબસ્‍ત, નવરાત્રી બંદોબસ્‍ત, ગણપતી બંદોબસ્‍ત, રથયાત્રા બંદોબસ્‍ત, વી.વી.આઈ,પી, બંદોબસ્‍ત, આપાતીકા લીન વિપતા દરમ્‍યાન પોલીસ સાથે ખભે-ખભો મીલાવી સાથે રહી ફરજ બજાવી સરકારને ખુબજ મદદરૂપ થાય છે.

 હાલમાં આ દળના એક સભ્‍યને દૈનિક રૂા.૩૦૪, માનદ વતન આપવામાં આવે છે. અને હોમગાર્ડઝ જવાન દર મહિને ૨૭ દિવસની મર્યાદામાં ફરજ કરી શકે છે.  ૨૭ દિવસની  રૂા.૮,૨૦૮ ચુંકવણુ કરવામા ં આવે છે જે ખુબજ ઓછુ હોવાથી હોમગાર્ડઝ જવાનને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં ખુબજ મુશ્‍કેલી પડે છે. જ્‍યારે ગુજરાત સિવાયના અન્‍ય રાજ્‍યમાં હોમગાર્ડના સભ્‍યોનું દૈનિક રૂા. ૫૦૦ થી ૮૦૦ માનદવેતન આપવામાં આવે છે. તેમજ અમુક રાજ્‍યોમાં હોમગાર્ડ જવાનોને ફિક્‍સ વેતનમાં તો અમુક રાજ્‍યોમાં કાયમી કર્મચારી તરીકેનો લાભ આપવામાં આવે છે. અન્‍ય રાજ્‍યોની સરખામણી મુજબ ગુજરાત રાજ્‍યના હોમગાર્ડ જવાનોને પણ હાલની મોંઘવારી મુજબ ૫૦૦ રૂા.નું માનદ વેતન મળે તેવી અમારી માંગણી છે.

અગાઉ હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૦૧૦ના વર્ષમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે હોમગાર્ડના સભ્‍યોનું ડેઇલી માનદવેતન ૮૦ રૂપિયા હતું તે વધારીને ૨૦૪ રૂપિયા કરેલ ત્‍યારબાદ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળ દરમ્‍યાન ૨૦૧૭માં હોમગાર્ડના સભ્‍યોનું માનદવેતન ૧૦૦ રૂપિયા વધારી ૩૦૪ રૂપિયા કરવામાં આવેલ જે હાલની મોંઘવારી મુજબ ખુબજ ઓછું છે.  ગુજરાતના ૪૧ હજાર હોમગાર્ડ જવાન તથા તેમના પરિવારને જરૂરિયાત મુજબ તાત્‍કાલીક ધોરણે માનદ વેતન ૩૦૪ રૂપિયા છે તે ૫૦૦ રૂપિયા કરી આપવા માંગણી છે.

તેમજ પરેડનું માનદવેતન ૪૦ રૂપિયા છે તે ૧૦૦ રૂપિયા કરવા, પાર્ટ ટાઇમ પટ્ટાવાળનું માસિક વેતન ૨૦૦ થી ૧૦૦૦ રૂપિયા કરવા, પાર્ટ ટાઇમ કલાર્કનું માસિક વેતન ૩૦૦ થી ૧૫૦૦ કરવા, ભોજન ભથ્‍થું ૫૫ થી ૨૦૦ રૂપિયા કરવા તથા હોમગાર્ડદળના સભ્‍યોની નિવૃતી વય મર્યાદા ૫૫ વર્ષ છે તે ૫૮ વર્ષ કરવા માંગણી છે.

(3:36 pm IST)