Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી આપવાના બહાને રૂા. ૧.૨૯ લાખની ઠગાઇઃ સાયબર ક્રાઇમ પોલીસે રકમ પરત અપાવી

સંત કબીર રોડ કૈલાસધારા સોસાયટીના બિપીનભાઇ અજાણી સાથે થઇ હતી ઠગાઇઃ એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારી, પીએસઆઇ જે. કે. જાડેજા અને ટીમની કામગીરી

ઓનલાઇન ઠગાઇનો ભોગ બનો તો હેલ્‍પલાઇન નંબર ૧૯૦૩નો તુરંત સંપર્ક કરો

રાજકોટ તા. ૧૫: ઓનલાઇન છેતરપીંડીના બનાવો અવાર-નવાર બનતા રહે છે. ગઠીયાઓ નીતનવા નુસ્‍ખા અજમાવીને લોકોને છેતરતાં રહે છે. ક્‍યારેક મોબાઇલના સીમકાર્ડનું કેવાયસી નહિ કરો તો કાર્ડ બ્‍લોક થઇ જશે તેમ કહીને તો ઘણીવાર ક્રેડીટ કાર્ડની લિમીટ વધારી આપવાના બહાને ફોન કરી લિંક મોકલી તેના આધારે ઓનલાઇન નાણા ટ્રાન્‍સફર કરી લઇ ઠગાઇ આચરે છે. આવા વધુ એક કિસ્‍સામાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે છેતરાયેલા વ્‍યક્‍તિને રોકડ પરત અપાવી છે.

સંત કબીર રોડ પર કૈલાસધારા સોસાયટી-૧માં શ્રીગેલકૃપા ખાતે રહેતાં બિપીનભાઇ શામજીભાઇ અજાણીને અજાણ્‍યા નંબર પરથી કોલ આવ્‍યો હતો અને કોલ કરનારે ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી આપવાની લાલચ આપી પોતે જેમ કહે તેમ કરવાનું કહી ટેક્‍સ મેસેજ દ્વારા લિંક મોકલી હતી. બિપીનભાઇએ આ લિંક ખોલીને બાદમાં કોલ કરનારે કહ્યું એ રીતે ઓટીપી સહિતની વિગતો તેમાં ભરી હતી. એ પછી ગઠીયાએ તેના બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૧,૨૯,૦૭૫ ઉપાડી લઇ ઠગાઇ આચરી હતી.

સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેક્‍નીકલ એનાલિસિસ કરી નોડલ ઓફિસરનો સંપર્ક કરી આ પુરેપુરી રકમ બિપીનભાઇને પરત અપાવી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી સાયબર ક્રાઇમ વિશાલ એમ. રબારી અને ટીમના પીએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્‍સ. ડી. પી ઝાલા, ોન્‍સ. હરેશભાઇ ગોહિલ અને દિલીપભાઇએ આ કામગીરી કરી હતી.

(3:31 pm IST)