Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ભુણાવાના પાટીયેથી ઇજાગ્રસ્‍ત મળેલા યુપીના યુવાનનું રાજકોટમાં મોત

ધીરેન્‍દ્ર સિતારામ બે મહિના પહેલા મજૂરી કરવા આવ્‍યો'તોઃ વાહનની ઠોકરે ચડી ગયાની શક્‍યતા : પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ પસાર થતાં તેણે ઘાયલને રાજકોટ હોસ્‍પિટલે ખસેડયો

રાજકોટ તા. ૧૫: રીબડા નજીક ભુણાવાના પાટીયા પાસે સાંજે એક અજાણયો યુવાન ઇજાગ્રસ્‍ત હાલતમાં બેભાન હાલતમાં પડયો હોઇ તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દીધો હતો. મૃતક યુવાન મુળ યુપીના બલીયાનો વતની ધીરેન્‍દ્ર સિતારામ (ઉ.૩૫) હોવાનું ખુલ્‍યું હતું. પોલીસે તેના વાલીવારસને જાણ કરી હોઇ તેઓ રાજકોટ આવવા નીકળ્‍યા હતાં.
સાંજે પાંચેક વાગ્‍યે એક અજાણ્‍યો યુવાન ભુણાવાના પાટીયા પાસે ઇજાગ્રસ્‍ત હાલતમાં બેભાન પડયો હોઇ તે વખતે  પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ પસાર થતાં તેણે ડ્રાઇવરને કાર ઉભી રાખવા કહ્યું હતું અને ઘાયલને પોતાની કાર મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.
ગોંડલ તાલુકા પોલીસે તપાસ કરતાં આ યુવાન યુપીનો ધીરેન્‍દ્ર સિતારામ હોવાનું જાણવા મળ્‍યું હતું. તેના પત્‍નિના કહેવા મુજબ ધીરેન્‍દ્ર બે મહિના પહેલા મજૂરી કરવા વતનથી ગુજરાતમાં આવ્‍યો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. સવારે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ધીરેન્‍દ્રને માથા, પગમાં ઇજાઓ હતી. કોઇ વાહનની ઠોકરે ચડયાની શક્‍યતા જણાઇ હતી. મોતનું સાચુ કારણ પોસ્‍ટ મોર્ટમ બાદ બહાર આવશે.

 

(12:05 pm IST)