Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગહન ગીતાજ્ઞાનને સરળ શબ્‍દોમાં રજુ કરતુ પુસ્‍તક ‘ગીતા સરિતા'

ડો. ધીરજ કાકડિયાએ સરિતાબેન દલાલના સહકારથી લખ્‍યુ પુસ્‍તક

રાજકોટ તા. ૧૫ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની રજીસ્‍ટ્રાર ઓફ ન્‍યુઝ પેપર્સ ફોર ઇન્‍ડિયા (આર.એન.આઇ.) કચેરીના અપર મહાનિર્દેષક ડો. ધીરજ કાકડિયાએ ગીતાજ્ઞાન આધારિત પુસ્‍તક ‘ગીતા સરિતા' પ્રસિધ્‍ધ કરેલ છે. તેની પ્રસ્‍તાવનામાં ગુજરાતના નિવૃત્ત મુખ્‍ય સચિવ શ્રી પ્રવીણભાઇ લહેરીએ જણાવ્‍યું છે કે, ગીતા સરિતામાં શ્રી ધીરજ કાકડિયાએ ખંતપૂર્વક જહેમત કરીને સરળ અને રસાળ શૈલીમાં જે નિરૂપણ કર્યું છે તે આબાલવૃધ્‍ધો સહિત સૌને પસંદ આવશે. ગીતા જેવા ગહન ગ્રંથની સમજણ જેટલી સમાજમાં વધશે તેટલા સુખ, શાંતિ, સંવાદિતા અને સૌહાર્દની વૃધ્‍ધિ થશે. લેખકે આ પુસ્‍તક દ્વારા સૌને સાચા માર્ગે ચાલવા જે પ્રેરણાદાયી લેખન કર્યું છે તેને હું આવકારૂં છું.

‘ગીતા સરિતા' પુસ્‍તકના લેખક ડો. ધીરજ કાકડિયાએ જણાવ્‍યું છે કે,   ગીતાનો નાનપણથી અભ્‍યાસ કરવાનો અવસર મળ્‍યો અને ઘણા શ્‍લોકો, ખાસ કરીને ગીતાનો પંદરમો અધ્‍યાય ‘પુરુષોત્તમયોગ' મેં ધોરણ-૮માં કંઠસ્‍થ કરેલ. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, રાજકોટમાં ત્રણ વર્ષના અભ્‍યાસ અને ત્‍યારબાદ સંતો સાથેના અવારનવારના સત્‍સંગ દરમિયાન ગીતા અને વચનામૃત ગ્રંથ ઉપર મનન કરવાનો મોકો મળતો રહ્યો. જેમની સાથે લગભગ દોઢ દાયકા સુધી સરકારી સેવામાં સહકર્મી બનવાનું સદ્‌નસીબ મને સાંપડ્‍યું, એવા મેડમ સરિતાબેન દલાલ સાથે, બંનેની વૃત્તિને અનુરૂપ ગીતા પર રોજ-રોજ ચર્ચા થતી રહી. ઓગસ્‍ટ, ૨૦૨૨માં મેડમ સરિતાબહેનનું નિવૃત્ત થવાનું હોઈ આ ચર્ચાને કાયમી યાદ તરીકે કાગળ પર કંડારવાનું સૂઝ્‍યું અને એમ થયું કે યથાશક્‍તિ અને યથાબુદ્ધિ ગીતાદોહન ભગવાન શ્રી કૃષ્‍ણના જ શુદ્ધ બુદ્ધિપૂર્વકના પૂજા અને અનુષ્ઠાન છે. ગીતા ઉપરની કેટલીક ટીકાઓ પણ મેં વાંચેલી છે. મહાન સંતો દ્વારા લખાયેલી ટીકાઓમાં આપણી ચાંચ ખાસ ન ડૂબે. મેડમ સરિતાબહેને વિચાર આપ્‍યો કે અતિગહન ગીતાજ્ઞાનને સરળ શબ્‍દોમાં રજુ કરીએ તો મુમુક્ષુ હૃદયને ચોક્કસ ગમશે. આ જ વિચારે જન્‍મ આપ્‍યો આ નમ્ર પ્રયાસરૂપ પુસ્‍તિકાને. (સરિતાબેન થોડા દિવસો પહેલા જ પ્રેસ ઇન્‍ફોર્મેશન બ્‍યુરોના સંયુકત નિયામક પદેથી નિવૃત્ત થયા છે.)

 આ પુસ્‍તકમાં બે વિભાગો છેઃ ‘ગીતા અર્થદીપિકા' અને ‘ગીતા જીવન દીપિકા'. પ્રથમ વિભાગમાં ગીતાના તમામ અધ્‍યાયોમાં ભગવાન શ્રીકૃષ્‍ણે અર્જુનને આપેલા ઉપદેશોનો મર્મ સાદી ભાષામાં સમજાવવાનો પ્રયાસ છે. બીજા વિભાગમાં મનુષ્‍ય જીવન દરમિયાન ઉદભવતા પ્રશ્નોનો ગીતામાં અપાયેલ જવાબ ખોળવાનો પ્રયત્‍ન કરાયો છે. હજારો વર્ષ પહેલા લખાયેલ ભગવદ્‌ ગીતાની કેટલીક સંજ્ઞાઓ આધુનિક સમયમાં અર્થપરિવર્તન પામી હોય તે સ્‍વાભાવિક છે. મૂળ ભાવને સમજવાનો ઈશક ગીતાના ઊડાણને વધુ ગહન બનાવે છે, જેમ કે યશ અને તપનો અર્થ સામાન્‍ય રીતે આપણે સમજીએ તેવા કર્મો ઉપરાંત, નિત્‍ય જીવનમાં કરાતા સત્‍કાર્યો અને ત્‍યાગને પણ માર્મિક રીતે દર્શાવે છે. આશા રાખું છું કે દેવીગુણા સંપન્ન વાચકોને આ પુસ્‍તિકા ગમશે તેમ ડો. ધીરજ કાકડિયા જણાવે છે.

આ પુસ્‍તક પી.ડી.એફ. સ્‍વરૂપે પણ ઉપલબ્‍ધ છે. વધુ માહિતી માટે ડો. કાકડિયાનો મો. ૯૯૭૮૪ ૦૫૩૬૩ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(12:35 pm IST)