Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

થેન્‍ક યુ મેઘરાજા

રાજકોટની જીવાદોરી આજી છલકાયો

છલોછલ જળરાશીથી સર્જાયો આહ્‌લાદક નજારો : લોકો જોવા ઉમટયા : ૬૮ વર્ષમાં ૧૮મી વખત થયો ઓવરફલો : રાજકોટવાસીઓમાં હરખના ઘોડાપુર... જળસંકટ તણાયુ

વાહ ક્‍યા સીન હૈ... : રાજકોટને પાણી પુરૂં પાડતા આજી-૧ ડેમ આજે સવારે ઓવરફલો થતા આ આહ્‌લાદક નજારો જોવા લોકો ઉમટી પડયા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૪ : રાજકોટવાસીઓને મોટી રાહતના સમાચાર મળ્‍યા છે. કેમકે શહેરના જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે વહેલી સવારે ૨૯ ફુટની નિર્ધારીત સપાટીથી ૧૦૦ ટકા ભરાતા ૧૮મી વખત ઓવરફલો થતા શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી રહી છે. છલોછલ આહ્‌લાદક નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા વરસાદને કારણે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય ડેમ છલોછલ ભરાઈ ગયા છે. ભાદર અને ન્‍યારીમાં પુષ્‍કળ આવકને પગલે દરવાજા ખોલાયા છે જયારે આજે વહેલી સવારે આજી-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા ઓવરફલો થયો છે.
સોમવારે પડેલા વરસાદને કારણે આજી ડેમમાં પાણીની સારી આવક થઈ હતી અને ૯૯ ટકા ભરાઈ ગયો હતો. માત્ર ૦.૨૫ ફૂટ સપાટી જ બાકી રહી હતી પણ તેમાં વધારો થયો ન હતો. બાદમાં સવારે પાણીની ધીમી આવક ચાલુ રહી હતી અને સાંજ સુધીમાં ૨૮.૯૫ ફૂટની સપાટીએ પાણી પહોંચી ગયું હતું. મંગળવારે રાત્રે શહેરમાં વરસાદ ચાલુ થયો હતો. આજે સવારે ૭ વાગ્‍યા આસપાસ આજી ડેમની કુલ સપાટી ૨૯ ફુટ થઇ જતા ઓવરફલો થયો હતો.
હાલ જે રાજકોટના ત્રણેય ડેમમાં છલોછલ જળરાશિ આવી છે તેને કારણે ૪ મહિના પાણીની શાંતિ થઈ છે અને ત્‍યાં સુધી રાજકોટને સૌની યોજનાના પાણીની જરૂર પડશે નહીં. જાન્‍યુઆરી સુધીમાં આજી ડેમમાં પાણીનો જથ્‍થો ખાલી થવા લાગશે એટલે ત્‍યારે ફરી સૌની યોજનાથી ડેમ ભરવો પડશે જયારે ન્‍યારી અને ભાદરમાં છ મહિના સુધી સૌની યોજનાની જરૂર નથી.
આજી ૧૭ વખત, ભાદર-૧ ડેમ ૨૫મી વાર ઓવરફલોઆજી-૧ ડેમની ક્ષમતા ૯૪૮ એમસીએફટી જેટલી છે અને ૧૯૫૪માં બન્‍યા બાદ અત્‍યાર સુધીમાં ૧૮ વખત ઓવરફલો થયો છે. ભાદરની ક્ષમતા ૬૬૪૦ એમસીએફટી છે અને ૧૯૬૪માં તે બન્‍યો હતો, ચાલુ વર્ષ સુધીમાં ૨૫ વખત તેમજ ૧૨૪૮ એમસીએફટીની ક્ષમતા ધરાવતો ન્‍યારી-૧ ડેમ ૨૩ વાર ઓવરફલો થયો છે

 

(3:28 pm IST)