Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ત્રિ-દિવસીય સ્પોર્ટસ એક્ટીવેશન પ્રોગ્રામ:પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે વિવિધ સ્પર્ધાઓ તેમજ ખેલાડીઓનું સન્માન

લુપ્ત થતી શેરી રમતો અને ખેલકૂદમાં જનજાગૃતિ અર્થે જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ રમતોનું આયોજન

રાજકોટ :૩૬ મી નેશનલ ગેમ્સના અનુસંધાને રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં જાગૃતિ તેમજ રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે આવતી કાલથી ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પેઇનનો પ્રારંભ થવા જઈ  રહ્યો  છે. 

  તા. ૧૫ સપ્ટેમ્બર ના રોજ વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈન્ડોર હોલ ખાતે સવારે ૯:૩૦ કલાકે અવેરનેસ કાર્યક્રમ યોજાશે. ‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ). થીમ આધારિત કાર્યક્રમમાં ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે.

 યુનિવર્સીટી ખાતે પ્રથમ દિવસે કરાટે-માર્શલ આર્ટનું નિદર્શન, રેસલિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન તેમજ બાસ્કેટ બોલ અને લોન ટેનિસનું લાઈવ પ્રસારણ મહાનુભાવો નિહાળશે. સાથોસાથ રાજ્ય કક્ષાએ બાસ્કેટ બોલમાં ઝળકેલી શાળાની છાત્રાઓ અને ‘‘ખેલો ઇન્ડિયા’’માં ભાગ લીધેલ ત્રણ ખેલાડીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે.  

  રાજકોટ રમત-ગમત વિકાસ અધિકારી રમા મદ્રાએ ત્રિદિવસીય એક્ટીવેશન પ્રોગ્રામ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી - યુવાનો મૂળભૂત રમતોને ભૂલી ગયા છે. આ રમતો તરફ પુનઃ વાળવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ લુપ્ત થઈ રહેલી રમતો જેવી કે, કબડ્ડી, ખોખો, લીંબુ ચમચી, કોથળા દોડ, જલેબી દોડ સહિતની રમતોનું આયોજન કરવામાં આવશે. જેના થકી બાળકો વર્ચ્યુલ ગેમ્સમાંથી બહાર આવી શકે તેમજ ખેલકૂદ પ્રત્યે જાગૃત બની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે.       

   જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.

(1:09 am IST)