Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કાલે કામદાર શિક્ષણ દિવસ

કામદારોને નવી દિશા આપતી કામદાર શિક્ષણ અને વિકાસ યોજના

રાજકોટઃ દત્તોપંત. ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડની શરૂઆત ૧૯૫૮માં ૧૬ મીં સપ્ટેમ્બરને દિવસે કરવામાં આવી હતી. ૧૬ મીં સપ્ટેમ્બરને 'કામદાર શિક્ષણ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રયોજિત આ યોજના સમગ્ર રાષ્ટ્રમાં ૫૦ કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પૂર્વમાં આ કાર્યાલય કેન્દ્રીય કામદાર શિક્ષણ બોર્ડના નામથી પ્રચલિત હતું. ર૧ ઓગસ્ટ, ૨૦૧૬ થી તેનું નવું નામકરણ કરવામાં આવેલ છે. આપણા રાજ્યમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે. વૈશ્વીકરણ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ગુણવત્તાના ધોરણે ઉદ્યોગોનો વિકાસ કરવા કર્મચારીને પ્રશિક્ષણની જરૂર છે ત્યારે આ યોજનાની જવાબદારી અનેકગણી વધી જાય છે,

  કર્મચારી શિક્ષણ શા માટે ?

 શિક્ષણ દ્વારા તટસ્થ અને સાચી માહિતી કર્મચારીઓ સુધી પહોંચાડી તેમનામાં માનસિક સંતોષ ઉભો કરી શકાય. પરિણામે સંઘર્ષ ઓછો થાય, હતાશા ઓછી, થાય અને સહકારની ભાવના વિકસે. તેમનામાં પોતાની ફરજ પ્રત્યેની સભાનતાં વધે અને કાર્યક્ષમતા જળવાય, ઉત્પાદન અને ઉત્પાદકતા જળવાય, શિસ્તનું ધોરણ ઉંચું આવે તથા અન્યના દષ્ટિબિંદુ સમજતા થાય અને ટીમવર્કનો વિકાસ થાય, તેઓ પોતાના આર્થિક અને સામાજિક પ્રશ્નો હલ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. માનવીય સંબંધો અને ઔદ્યોગિક સંબંધો જાળવી સમાજ અને દ્દેશનો વિકાસ શકય બને તથા કર્મચારી દ્વારા કર્મચારી સંધ ચળવળ ચલાવી શકાય અને જવાબદાર તથા વફાદાર સભ્યો દ્વારા મજબુત કર્મચારી સંગઠનનો વિકાસ થાય.

  કામદાર શિક્ષણ યોજનાના ધ્યેયો

કામદાર શિક્ષણ યોજનાનો મુખ્ય ઉદેશ્ય મજબુત અને જવાબદાર કર્મચારી સંઘ પ્રવૃતિને પ્રોત્સાહિત કરવાનું તેમજ વેગ આપવાનું છે. આ માટે કર્મચારી સંધની રચના, વિકાસ અને સંચાલન પર ભાર મુકવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીની નાગરિક તરીકેની ફરજો અને જવાબદારીઓ જેવી સંકળાયેલી બાબતો પાછળ પણ સારો એવો સમય આપવામાં આવે છે. સાથો સાથ આર્થિક વિકાસમાં અને પ્રગતિના ભાગ તરીકે જુદી જુદી યોજનાઓ તેમજ કાર્યક્રમો અંગે પણ શિક્ષણ આપવામાં આવે છે. આ યોજનાના મુખ્ય ધ્યેયો, ગ્રામ્ય કર્મચારી સહિતના તમામ વર્ગના કર્મચારીમાં સ્વદેશાભિમાન, રાષ્ટ્રીયતા, એકતા, સંપ, મિત્રાચારી, કોમી એકતા, બિનસાંપ્રદાયિકતા અને ભારતીય હોવાના ગૌરવની ભાવના વિકસાવવી તથા રાષ્ટ્રના સામાજિક તથા આર્થિક વિકાસમાં સમજદારીપૂર્વક ભાગ લેવા તૈયાર કરવા. 

 વિવિધ સ્તરે કામદાર શિક્ષણ યોજનાનો અમલ

દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ અને વિકાસ બોર્ડ જાહેર તેમજ ખાનગીક્ષેત્ર માટે કર્મચારી શિક્ષણ યોજનાનો રાષ્ટ્રીય સ્તર, પ્રાદેશિક સ્તર અને સંસ્થા સ્તરે અમલ કરે છે. દરેક તાલિમી કાર્યક્રમો દરમ્યાન કોવિડ-૧૯ની જાગરૂકતા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. 

 રાષ્ટ્રીય સ્તર

૧૯૪૦ માં દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય કર્મચારી શિક્ષણ અને વિકાસ બોર્ડ દ્વારા મુંબઈ ખાતે સ્થપાયેલ ઈન્ડીયન . ઈન્સ્ટીટયુટ ઓફ વર્કસ એજ્યુકેશન આ બોર્ડના પ્રાદેશિક નિયામકો અને શિક્ષણાધિકારીઓ માટે તેમજ ટ્રેડ યુનિયન લીડરો માટે રાષ્ટ્રીય કક્ષાઓના કાર્યક્રમોનું આયોજન કરે છે. કર્મચારી શિક્ષણ કેન્દ્રો પર નિયુકત કરવામાં આવતા શિક્ષણાધિકારીઓની તાલિમની મુદ્ત ૬ (છ) મહિનાની હોય છે. આ તાલિમ સફળ રીતે પુર્ણ કર્યા બાદ તેમને જદા-જુદા પ્રાદેશિક કેન્દ્રો પર ફરજ સોંપવામાં આવે છે.

 પ્રાદેશિક સ્તર

કર્મચારીઓ માટેના કાર્યક્રમમાં કર્મચારી સંઘ પ્રવૃત્તિ, ઔદ્યોગિક સંબંધો, મજૂર કાયદાઓ, ઉત્પાદકતા, વસ્તીશિક્ષણ, એઈડસ, પર્યાવરણ તેમજ સંચાલનમાં કર્મચારીની ભાગીદારી જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રાદેશિક કેન્દ્રો પર રીફ્રેશર કોર્સ અને ઢુંકાગાળાના તાલિમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તાલિમ કાર્યક્રમો જરૂરીયાતલક્ષી અને ઉદ્યોગ કેન્દ્રી હોય છે.

 સંસ્થા સ્તર

પ્રાદેશિક કેન્દ્રો પર તાલિમ સફળ રીતે પુરી કર્યા બાદ તે તાલિમાર્થી, કર્મચારી શિક્ષક તરીકે પોતાની સંસ્થામાં સાથી કર્મચારી માટે યુનિટ લેવલ કલાસનું આયોજન કરે છે. તેની મુદ્ત દોઢ માસની હોય છે. આ દરમ્યાન તેઓ ઔધોગિક પ્રવાસનું પણ આયોજન કરી શકે છે. કર્મચારી અને કર્મચારી સંઘ, કર્મચારી અને ઉદ્યોગ, કર્મચારી અને તેનું કુટુંબ, ઉત્પાદકતા, સલામતી, સંદેશા-વ્યવહાર, કુટુંબ કલ્યાણ અને કર્મચારીના આર્થિક વિકાસમાં ભાગીદારી જેવા વિવિધ વિષયોનો આ વર્ગોના અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.

 અસંગઠિત કર્મચારી, ગેરસરકારી કર્મચારીઓ, રોજમદાર કારીગરો માટે અટલ પેન્શન યોજના ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વય સુધી નિશ્વિત કરેલ પેન્શન માટે જમા કરાવી નિવૃતિ સમયે ચોક્કસ પેન્શન મેળવવા વ્યકિત હક્કદાર બને તે માટે તેમને જાણકારી આપવામાં આવે છે. 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાનના ભાગરૂપે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ૧૦ વર્ષથી નાની દિકરીઓ માટે લધુત્તમ વાર્ષિક રૂ.૧૦૦૦ ની બચત સાથે તેમજ આકર્ષક વ્યાજ સાથે ખાતુ ખોલાવવાની જોગવાઈ અંગે ગ્રામ્ય મહિલાઓને સમજણ આપવામાં આવે છે.

  મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી અધિનિયમ

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર-ર૦૦૫ માં રાષ્ટ્રીય ગ્રામીણ, રોજગાર બાહેંધરી અધિનિયમ પસાર કર્યો અને ફુબ્રુઆરી-ર૦૦૬ થી અમલમાં મૂક્યો છે. આ કાયદાનો ઉદેશ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોની જીવનનિર્વાહની તકો વધી શકે તે માટે રોજગારી પૂરી પાડવાનો અને લાંબા ગાળાની અસ્કયામતો ઉભી કરવાનો છે.

 અસંગઠિત ક્ષેત્રના કર્મચારી માટેના તાલિમ કાર્યક્રમ

ગ્રામ્ય કારીગરો સહિત વિવિધ ક્ષેત્રે સ્વરોજગારી મેળવતા કર્મચારી માટેના કાર્યક્રમમાં સ્વરોજગારી યોજનાઓ, સહકારી પ્રવૃતિ સામાજિક શિક્ષણ, HIV/AIDS, સામાજિક દૂષણો જેવા જરૂરિયાત આધારિત વિષયોની ચર્ચા કરવામાં આવે છે. તાલિમી કાર્યક્રમ દરમ્યાન ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદામાં ઉપસ્થિત તાલિમાર્થીઓને નિયત દરે દૈનિક ભથ્થું  (પ્રવર્તમાન દર અનુસાર) ચુકવવામાં આવે છે.

 સીધા લાભ હસ્તાંતરણ 

ભારત સરકારના સીધા લાભ હસ્તાંતરણના નિર્ણય અંતર્ગત જાન્યુઆરી-૨૦૧૫ થી દરેક તાલીમી કાર્યક્રમોમાં ભાગ લેતા તમામ તાલીમાર્થીઓને નિયમાનુસાર ચૂકવવામાં આવતી રકમ તેમના બેંકના બચત ખાતામાં ફરજીયાતપણે જમા કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ નિર્ણયને ભારત સરકારના વહીવટને વધુ પારદર્શક બનાવવાના પ્રથમ કદમ, તરીકે જોવામાં આવે છે. જે લોકોના બચત ખાતા બેંકમાં નથી તેઓને પણ આ કાર્યક્રમોમાં બેંકોમાં બચત ખાતા સરકારની જનધન યોજનદ હેઠળ શુન્ય રાશી સાથે ખોલી આપવામાં મદદ કરવામાં આવે છે. આમ, ભારતના દરેક નાગરીક પાસે બેંકમાં બચત ખાતુ ધરાવવાના સરકારના નિર્ણયની સફળતામાં કેન્દ્રીય કર્મચારી શિક્ષણ બોર્ડ પણ ભાગીદાર બન્યું છે. 

આમ, કર્મચારી શિક્ષણ યોજના અંતર્ગત સંગઠિત તેમજ અસંગઠિત કર્મચારી ગ્રામ્ય કર્મચારી મહિલા અને પુરૂષ કર્મચારી વગેરે માટે વિવિધ પ્રકારના તેમને અને તેમના કુટુંબ જીવનને ઉપયોગી અને માર્ગદર્શક કાર્યક્રમોનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવે છે. 

     સંકલન

શ્રી એચ.આર. જરીયા

એજયુકેશન ઓફીસર  દત્તોપંત ઠેગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ, રાજકોટ, ફોન નં.૦૨૮૧-૨૪૫૩૮૦૪

(3:25 pm IST)