Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સમરસ કોવિડ કેર સેન્ટરમાં મેડીકલ સ્ટાફ પર હુમલો કરનાર બે ને પોલીસે ઝડપી લીધા

હુમલો કરનારા સામે કડક કાર્યવાહીનો રેમ્યા મોહનનો આદેશ

રાજકોટ તા. ૧પઃ સમરસ કોવીડ કેર સેન્ટરમાં મેડીકલ સ્ટાફ ઉપર હુમલો કરવાની ઘટનામાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. શ્રી એ. બી. જાડેજા અને તેમનાં સ્ટાફે બે હુમલાખોરોને ઝડપી લઇ કલમ ૧પ૧ મુજબ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસ સુત્રોમાં જણાવ્યા મુજબ સમરસ કોવીડ સેન્ટરમાં દાખલ થયેલ વૃધ્ધાનાં મોત બાદ તેનાં પુત્ર અભિષેક દિપસિંહ કામલિયા (ઉ.વ. રપ) (રે. ન્યું અંબિકા પાર્ક, સાધુ વાસવાણી રોડ અને પ્રદિપ અશોક ચાવડા (ઉ.વ. ર૦, રે. ન્યું અંબિકા પાર્ક, સાધુ વાસવાણી રોડ) બંન્નેએ ફરજ પરનાં મેડીકલ હેલ્થ વર્કરને ફડાકા મારી હુમલો કર્યો હતો. આ બનાવમાં બંન્નેની અટકાયત કરી પુછપરછ હાથ ધરાયેલ છે.

દરમિયાન આ બનાવ અંગે કલેકટર કંન્ટ્રોલ રૂમની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ગત તા. ૧૩-૯-ર૦ર૦ના રોજ મૃતક દીપકસિંહ દોલતસિંહ કામલિયા રહે. ઓમ ન્યું અંબિકા પાર્ક-૪, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ઉ.વ. ૬૧ જે ડાયાબિટિસથી પીડીત હતા અને તા. ૮-૯-ર૦ર૦ ના રોજ કોરોના પોઝીટીવ થતાં  PDU હોસ્પિટલ ખાતે દાખલ થયેલ તેમને તા. ૦૯-૯-ર૦ર૦ના રોજ સમરસ DCHC ખાતે સારવાર માટે રીફર કરેલ હતાં. તેઓની તબિયત બગડતાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ PDU હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. જયાં તેઓનું સારવાર દરમિયાન મોત થયેલ. આ બાબતે તેમના સગાઓ દ્વારા સમરસ DCHC હોસ્પિટલ ખાતે ધસી આવી ફરજ પર હાજર MPHW સ્ટાફ તથા  ને CHO માર મરાયેલ હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન તથા રાજકોટ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતાં. ભોગ બનનાર ડરી ગયેલ હોઇ ફરિયાદ આપવા તૈયાર ન થતાં, પુરાવાઓને આધારે એક તરફી કાર્યવાહી કરી તમામ આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે. તથા ભવિષ્યમાં આવા અસામાજિક તત્વોને સબક મળે અને આ પ્રકારનું કૃત્ય ન કરે તે માટે ચેતવણી પણ અપાઇ છે. તાજેતરમાં જયારે કોવિડ-૧૯ મહામારી સામે મેડીકલ ટીમો દિનરાત ખડેપગે રહી કામગીરી કરે છે. ત્યારે તમામ મેડીકલ સ્ટાફને રક્ષણ આપવા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કટિબધ્ધ છે, તેવું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવેલ છે.

(4:03 pm IST)