Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સ્વાઇન ફલૂથી સિવિલ હોસ્પિટલમાં બીજુ મોતઃ વેરાવળના વૃધ્ધે દમ તોડ્યોઃ કુલ ૧૦ દર્દી દાખલ

સિવિલમાં એક દર્દી સાજા થતાં રજા અપાઇઃ ૯ દર્દી ખાનગી હોસ્પિટલમાં અને એક દર્દી સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: સ્વાઇન ફલૂએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. બીજુ મોત પણ સિવિલ હોસ્પિટલમાં થયું છે. વેરાવળ (સોમનાથ) પંથકના ગામના ૬૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધને આજે બપોરે મોત થયું છે.  શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ વેરાવળ સોમનાથ ભાલકા તિર્થની સગર્ભા મહિલાનું અગાઉ મોત નિપજ્યું  હતું. ત્યાં આજે બીજા દર્દીનું મોત થયું છે એ પણ વેરાવળના છે. શહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હવે ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. 

જાણવા મળ્યા મુજબ વેરાવળ પંથકના ગામના ૬૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધને કેટલાક દિવસથી તાવ આવતો હોઇ વેરાવળમાં સારવાર લીધી હતી. બાદમાં રાજકોટ ખસેડાયા હતાં. અહિ સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દરમિયાન આજે બપોરે તેમનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ટીમે સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને વધુને વધુ દર્દીઓ સાજા થઇ ઘરે જાય તે માટે વ્યવસ્થા ગોઠવી રાખી છે. ગઇકાલે જુનાગઢના એક ૪૫વર્ષના મહિલા સાજા થઇ જતાં તેમને રજા અપાઇ હતી. બાકીના બે દર્દીમાંથી એકનું આજે મૃત્યુ થયું છે. હજુ એક દર્દી દાખલ છે. અન્ય ૯ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે તમામ રિપોર્ટ પોઝિટીવ છે. જેમાં ધોરાજી, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલીના દર્દીઓનો સમાવેશ થાય છે.

મૃત્યુ પામનાર વૃધ્ધ પાંચ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. મૃતક ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. (૧૪.૧૧)

 

(3:47 pm IST)