Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જંગલેશ્વરમાંથી ચરસ, ગાંજો પછી હવે અફીણ મળી આવ્યું: સંજય હુંબલ અફિણના ડોડવા સાથે ઝડપાયો

જુનાગઢનો શખ્સ આપી ગયાનું રટણઃ રિક્ષાચાલક શખ્સ ત્રણેક માસથી વેંચતો'તોઃ અગાઉ વાહન ચોરીમાં સંડોવાયો હતો

રાજકોટ તા. ૧૫: જંગલેશ્વરમાંથી પહેલા ચરસનો જથ્થો અને પછી ગાંજો ઝડપાયા બાદ હવે એક શખ્સ પાસેથી પોશ ડોડવા નામનો માદક પદાર્થ મળી આવતાં કબ્જે કરી એનડીપીએસ એઠળ ગુનો દાખલ કરાયો છે. જુનાગઢ તરફનો કોઇ શખ્સ આ ડોડવા આપી ગયાનું બહાર આવતાં વિશેષ તપાસ શરૂ થઇ છે.

ભકિતનગર પોલીસે બાતમીને આધારે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૮માં રહેતાં સંજય મોકાભાઇ હુંબલ (ઉ.૩૦)ને તેના ઘરમાંથી પોશ ડોડાના ભુક્કા સાથે પકડી લેવાયો છે. પોલીસે રૂ. ૫૧૭૦ની કિંમતનો ૧.૪૭૭ કિગ્રા પોશ ડોડવાનો જથ્થો કબ્જે લીધો છે. તેમજ રૂ. ૧૭૮૦ રોકડા, મોબાઇલ ફોન રૂ. ૫ હજારનો, વજનીયા, વજન કાંટો અને ઇલેકટ્રીક બીલ મળી રૂ. ૨૭૨૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ઉચ્ચ અધિકારીઓની સુચના અને  પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતની ટીમ તપાસમાં હતી ત્યારે બાતમી મળતાં આ કામગીરી થઇ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઝડપાયેલો સંજય હુંબલ અગાઉ થોરાળા વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. હાલમાં ત્રણેક માસથી અફીણના ડોડવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. આ માદક પદાર્થ જુનાગઢ તરફથી એક શખ્સ આપી ગયાનું બહાર આવ્યું છે.

આ ગુનાની વિશેષ તપાસ ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈનીના હુકમથી કુવાડવાના પી.આઇ. એ. આર. મોડીયાને સોંપવામાં આવી છે. (૧૪.૬)

 

(3:50 pm IST)