Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ : ત્રિરંગો લહેરાવતા મેયર બિનાબેન આચાર્ય

     રાજકોટ: મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી શહેરના જુદા જુદા વોર્ડમાં યોજવાની પરંપરા છે અને આ પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાતમુહૂર્ત, લોકાર્પણ, સર્વરોગ નિદાન કેમ્પ વિગેરે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ, ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૦ના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજ્ય સરકારની સુચનાનુસાર કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં મેયર બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

ભારતના ૭૪માં સ્વતંત્રતા પર્વની સૌ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય તમામ નામીઅનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું.

આ પ્રસંગેમેયર બિનાબેન આચાર્ય શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહયું છે. આવા કપરા સંજોગોમાં ભારત અને ગુજરાત રાજ્ય પણ પોતાની આગવી સુઝબુઝ અને ખુમારી સાથે આ મહામારીનો સામનો કરી રહયું છે. કોરોનાને મહાત આપવા રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી રાત-દિવસ કાર્ય કરી રહેલ છે. તાજેતરમાં જ આઈ.આઈ.એમ.ના સર્વે મુજબ કોરોનાની મહામારીમાં મુખ્યમંત્રીનાં નેતૃત્વવાળી સરકાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવેલ છે. જે આપણે સૌ જાણીએ છીએ. તેમજ કોરોના માટે અનેક સામાજીક નિર્ણયો કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ પણ નાગરિકોના સહયોગ સાથે આ આપત્તિનો મુકાબલો કરવા સરકારશ્રીના માર્ગદર્શન અને સહયોગની મદદથી પોતાની પુરી તાકાત કામે લગાડી દીધી છે. આ કપરા કાળમાંથી સૌ ઝડપથી બહાર આવે અને જનજીવન સામાન્ય બને તે માટે સરકારશ્રી સતત પ્રયાસ કરે છે. આ એવો સમય છે જેમાં સૌએ એકસાથે મળીને કોરોનાની ઝંઝીર તોડી તેમાંથી આઝાદ થવાનું છે; અને મને વિશ્વાસ છે કે આપણે કોરોના સામેનો આ જંગ પણ જીતીને જ રહીશું. કોરોના મહામારીમાં આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, કલેકટર કચેરી, મહાનગરપાલિકા અને અન્ય કચેરીના કર્મીઓ કામગીરી કરી રહેલ છે તેઓને તેમજ શહેરની સામાજીક સંસ્થાઓએ લોકડાઉન દરમ્યાન જે કામગીરી કરી છે તે તમામને બિરદાવું છું અને શુભેચ્છા પાઠવું છું.

હાલના પડકારરૂપ સંજોગોમાં પણ જનજીવન ધબકતું રહે અને શહેરની વિકાસ યાત્રા અને પ્રગતિ અવિરત આગળ ધપતી રહે તે માટે સરકારશ્રીના આર્થિક સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા જનહિતમાં અનેક યોજનાઓ અને વિકાસ કાર્યોને વેગ આપવા પણ સતત પ્રયાસો કરી રહી છે. તેમાં સરકારશ્રી દ્વારા શહેરી ફેરિયાઓ, નાના-મોટા વેપારીઓ માટે આત્મનિર્ભર ગુજરાત યોજના, ગરીબ અને મધ્યમ વર્ગને વિનામૂલ્યે અનાજ, વિજળી બીલમાં રાહત, મિલકત વેરામાં રાહત સહિતના પગલાઓ પણ લેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ફેરિયા ભાઈ-બહેનો એક જ જગ્યા પર સમુહમાં વેપાર કરી શકે તેવા ઉમદા હેતુથી જુદા જુદા વિસ્તારોમાં હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. હયાત હોકર્સ ઝોનને પણ વિવિધ સુવિધા સાથે તબક્કાવાર આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. વિશેષમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન દરમ્યાન હોકર્સ ઝોનના ફેરિયાઓના ધંધા રોજગાર બંધ હોવાથી આવા નાના વર્ગના ફેરિયાઓને લોકડાઉન દરમ્યાનનું એટલે કે ૦૩ માસનું ભાડું માફ કરેલ છે. 

તાજેતરમાં જ રાજ્ય સરકારશ્રીએ જુન-૨૦૨૦માં માધાપર, મોટા મવા, ઘંટેશ્વર અને મુંજકાને રાજકોટમાં ભેળવવાનો નિર્ણય કર્યો છે. સ્વાભાવિકરીતે જ આ ગામોના નાગરિકોના જીવનમાં પણ હવે વિકાસલક્ષી પરિવર્તન આવશે અને ઉત્તરોત્તર પ્રગતિની અનુભૂતિ પણ થશે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર અને જવાબદારીમાં વધારો થયો છે. અલબત્ત મનપાને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી તરફથી મળી રહેલા સંપૂર્ણ સહયોગ તેમજ રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સવિશેષ સંવેદના અને કાળજીથી આપણું સ્માર્ટ રાજકોટ વિકાસ પથ પર ખુબ ઝડપભેર પ્રગતિ કરી રહયું છે. વિશેષમાં ગત ૨જી ઓગસ્ટના રોજ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક વનનું ઉદઘાટન કરવામાં આવેલ. અર્બન ફોરેસ્ટની ૧૫૭ એકર જમીન રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ છે. જેમાં ૪૭ એકર જમીનમાં ૫૫,૦૦૦થી વધુ સંખ્યામાં જુદી જુદી જાતના વૃક્ષો વવાશે. તેમજ સાંસ્કૃતિક વનમાં “તીર્થકર વન”, “નક્ષત્ર વન” અને “રાશી વન” માનવ જીવનને ઉપયોગી થાય તે રીતે વિકસિત કરાશે. આ ઉપરાંત રૂ.૭.૬૯ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવાનું મંજુર કરવામાં આવેલ છે. અયોધ્યામાં ૫ મી ઓગસ્ટે માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે ભગવાનશ્રી રામના ભવ્યાતી ભવ્ય મંદિરનો શિલાન્યાસ થનાર હતો ત્યારે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ અર્બન ફોરેસ્ટને “શ્રી રામ વન” નામકરણ જાહેર કરી રાજકોટને પણ એક અનુપમ યાદગીરીની ભેટ આપી છે. આગામી સમયમાં રાજકોટના નગરજનોને એક ભવ્ય નજરાણું મળશે. 

આપ સૌ વાકેફ છો કે, મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરને વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રોજેક્ટની ભેંટ આપી છે. એક સમયે જળકટોકટીને કારણે યાદ કરાતું રાજકોટ આજે પીવાના પાણીની સમસ્યામાંથી મુક્ત થઇ ચૂક્યું છે. એવી જ રીતે શહેરનો લગભગ હિસ્સો ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે અને નવા વિસ્તારોમાં આવશ્યકતા અનુસાર આ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહયો છે. 

રાજકોટના જ પનોતા પૂત્ર, રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર અને આપણા લોકલાડીલા એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને "સૌની યોજના" હેઠળ જળાશયોમાં નર્મદા નીર, અનેક આવાસ યોજનાઓ, અનેક ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બન ફોરેસ્ટ, આઈ-વે પ્રોજેક્ટ, રેસકોર્ષ-૨, કે પછી મહાત્મા ગાંધી મ્યુઝીયમની ભેંટ હોય, કે ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, મોર્ડન બસ પોર્ટ સહિતના વિકાસ કામો સાથે સેવા સેતુ જેવા કાર્યકમો થકી નાગરિકોને ઘર આંગણે સરકારની વિવિધ સેવાઓ પૂરી પાડી સરકારશ્રીની પ્રજાજનો પ્રત્યેની સંવેદનશીલતાની પ્રતીતિ કરાવેલ છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત “લોકલ થી વોકલ” બનાવવાનો સંકલ્પ કરેલ છે ત્યારે આજના આ રાષ્ટ્રીય પાવન પર્વ પ્રસંગે આપણે સૌ આત્મનિર્ભર ભારત બનાવવા કટીબદ્ધ થઈએ.

આંતરરાષ્ટ્રીય સ્તરના આર્થિક અભ્યાસ અહેવાલ અનુસાર ૨૦૧૯ થી ૨૦૩૫નાં સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના જે ૧૦ શહેરો સૌથી ઝડપી વિકાસ કરવાના છે તેમાં રાજકોટ પણ સામેલ છે. આર્થિક વિકાસની સાથોસાથ આપણું શહેર સામાજીક વિકાસમાં પણ અગ્રસ્થાને રહે તે ઇચ્છનીય છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ હાલ દેશમાં ટોપ ટેન શહેરોમાં સામેલ રાજકોટ શહેરને આપણે સૌ સ્વચ્છતા અંગે જાગૃતિ દાખવી રાજકોટને પ્રથમ સ્થાને લઇ જવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

વિશેષમાં તાજેતરમાં જ અયોધ્યા ખાતે હિન્દુઓના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે ભૂમિ પૂજન થયું ને ભારતના ઇતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ સોનેરી પૃષ્ઠ આલેખવામાં આવ્યું. ગત સાલ, દેશના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાષ્ટ્રના ઇતિહાસમાં એક નવો ઐતિહાસિક અધ્યાય આલેખ્યો ને કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ ની કલમ નાબુદ થઇ ગઈ. 

“જ્યાં માનવી, ત્યાં સુવિધા”નાં સંકલ્પ સાથે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ડામર પેવર રસ્તાઓ, ડ્રેનેજ, આરોગ્યલક્ષી સેવાઓ, સીટી બસ સેવા, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન, ડી.આઈ. પાઈપલાઈન, ગરીબોને રોજી રોટી મળે તે માટે હોકર્સઝોન, બગીચાઓ, બાળક્રીડાંગણ સહિતના અનેક કામો કરવામાં આવી રહ્યા છે. 

રાજકોટ શહેર સૌના સહયોગથી સ્વચ્છતાની દિશામાં પણ આગળ વધી રહી છે. ત્યારે આ પાવન રાષ્ટ્રીયપર્વ પ્રસંગે સૌ નગરજનોને હું અપીલ કરું છું કે, શહેર કાયમ માટે સ્વચ્છ રહે અને આ પ્રકૃતિને આપણી જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બનાવીએ. વિશેષમાં આપણું શહેર સ્માર્ટ સીટી બને તે માટે સૌના સહિયારા પ્રયાસથી શહેર અનેક સિદ્ધિ, અનેક ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવી મને શ્રધ્ધા છે.

અંતમાં, ફરી એકવાર સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

       આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરો મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ પીપળીયા, જયમીનભાઇ ઠાકર, નીતિનભાઈ રામાણી, રાજુભાઈ અઘેરા, હિરલબેન મહેતા, રૂપાબેન શીલુ, મીનાબેન પારેખ, ડૉ.દર્શીતાબેન શાહ, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, જાગૃતિબેન ઘાડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા, વિજયાબેન વાછાણી, કિરણબેન સોરઠીયા, તેમજ અધિકારીશ્રી ડે.કમિશનર બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ, સી.કે.નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, વિજીલન્સ સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, સીટી એન્જીનીયર કામલીયા, દોઢિયા, ટાઉન પ્લાનીંગ અધિકારી સાગઠીયા, ગોહિલ, આરોગ્ય અધિકારી ડૉ.વાજા, ચીફ ઓડીટર શાહ, આસી.કમિશનર હર્ષદ પટેલ, કગથરા, ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર હાપલીયા, પર્યાવરણ અધિકારી નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, પી.એ.ટુ મેયર હિંડોચા, પી.એ.ટુ. ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી રાણપરા, પી.એ. ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમા, આસી.મેનેજર અમિત ચોલેરા, હરેશ લખતરીયા, કાથરોટીયા, ડાયરેક્ટર આઈ.ટી. ગોહેલ, પી.આર.ઓ. ભુપેશ રાઠોડ, પ્રોજેક્ટ ઓફિસર ભૂમિબેન પરમાર, પી.એ. ટુ ડે.મેયર હસમુખ વ્યાસ તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો, કોરોના વોરિયર્સ તેમજ જુદા જુદા વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જહેમત ઉઠાવેલ.

(12:22 pm IST)