Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ડ્રેનેજની ફરિયાદો નિરાકરણ કરવા ખાસ ઝૂંબેશઃ પગલા લેવડાવતા મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની

ફરિયાદ ઝીરો કરવા સુચના અપાઇ

રાજકોટ તા. ૧૪ :.. ભારે વરસાદને પગલે રાજકોટ શહેરમાં ડ્રેનેજ સંબંધી જે કાંઇ ફરીયાદો ઉપસ્થિત થાય તેનો સત્વરે નિકાલ થાય અને નાગરીકોને કોઇ મુશ્કેલી ના પડે તેવા હેતુથી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનીધી પાનીએ ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરશ્રીઓને સતર્ક રહીને ફરીયાદોના તત્કાલ નિકાલ લાવવા સુચના આપી છે.

ઉપરાંત વહીવટી શાખાઓના અધિકારીઓને પણ એક પણ ફરીયાદી નાગરીકની ડ્રેનેજની ફરીયાદ પેન્ડીંગ ના રહે અને તેનો નિકાલ સુનિશ્ચિત થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રી, આસીસ્ટન્ટ કમિશનરશ્રી, અને અન્ય અધિકારીઓને આવશ્યક સંકલન કરવા સુચના આપેલ છે. અત્રે એ નોંધવું રહયું કે, ભારે વરસાદ તુર્ત જ મહાનગરપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર નિકાલ તેમજ ડ્રેનેજ લાઇનો અને મેનહોલ સાફ કરાવી પાણીનો તાત્કાલીક નિકાલ કરવા કામગીરી પુરજોશમાં ચાલુ કરી જ દેવાઇ હતી. તેની સાથોસાથ આજથી આ કામગીરી પર વધુ ભાર મુકી ઝૂંબેશના રૂપમાં ફરીયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

મ્યુનિ. કમિ. બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદને લીધે છેલ્લા ત્રણ દિવસમાં જે કાંઇ ડ્રેનેજ સંબંધી ફરીયાદો આવેલ છે તેનો નિકાલ લાવવા તમામ સીટી એન્જી., તમામ કોન્ટ્રાકટર અને એજન્સીઓ, તથા નાયબ કમિશનર દ્વારા સાથે મળીને ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં ડ્રેનેજને અંગેની આવતી ફરીયાદો જેવી કે ગટર ચોક અપ થઇ જવી, રોડ રસ્તા પર ડ્રેનેજનું પાણી આવતું હોવાથી વાહનોની અવર-જવર કરવા મુશ્કેલી પડવી, વિગેરે જેવી ફરીયાદો સદંતર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(4:19 pm IST)