Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સોમનાથ (સૂચિત)માંથી પ૦૦ ફોર્મ લેવાયા પણ ૪ વર્ષમાં એક પણ મીલકત કાયદેસર થઇ નથીઃ નવો જબરો વિવાદ

તત્કાલીન કલેકટરના સમયમાં આ સોસાયટીની ટોપટેનમાં દરખાસ્ત થઇ હતી.. : પશ્ચિમ મામલતદાર તંત્ર કહે છે...કોઇ પાસે આધાર પૂરાવા જ નથીઃ તમામ મીલકતો રામભરોસેઃ ધણીધોરી વગરની : કોઠારીયાની ૧૩ સોસાયટીના ર૭૦૦ આસામીઓની મીલકતો કાયદેસર કરવા બપોર બાદ આજથી તાલૂકા મામલતદાર દ્વારા ૪ દિ' કેમ્પ

રાજકોટ તા. ૧પ : રાજય સરકારની સૂચના બાદ જીલ્લા કલેકટરે આખા મહેનાનું કેલેન્ડર આપી શહેરના ચારેય મામલતદારોને કોઇપણ ભોગે સૂચિત બાકી રહેલ ૭૦ ટકા કામગીરી પૂર્ણ કરવા આદેશો કર્યા છે, પરીણામે તમામ મામલતદારો પોતાની સોસાયટીમાં કેમ્પો કરવા દોડયા છે.

હવે આ સૂચિતની કામગીરીમાં એક નવો વિવાદ અને ધડાકો થયો છે, ૬૯-રાજકોટમાં આવેલ સૌથી જૂની એવી સોમનાથ સોસાયટી આવેલી છે, જે સૂચિત ગણાય છે, ર૦૧૭માં સૂચિતની યોજના આવી ત્યારે તત્કાલીન કલેકટરશ્રીએ આ સોમનાથ સોસાયટી અંગે ટોપ-ટેનમાં આવરી લઇ સરકારમાં દરખાસ્ત કરી હતી, પરંતુ આજે ૪ વર્ષ વિતી ગયા છતા આ સોસાયટીમાંથી લેવાયેલ પ૦૦ ફોર્મમાંથી એક પણ મીલકતને માન્યતા-પ્રમાણપત્ર-સનદ કે કાયદેસરતા અપાઇ નથી...અને આ જબરા વિવાદે ચર્ચા જગાવી છે.

આ બાબતે પશ્ચિમ મામલતદાર તંત્રનો સંપર્ક કરતા એવું બહાર આવ્યું છે કે આ પ૦૦માંથી એક પણ મીલકત ધારક પાસે કોઇ આધાર પૂરાવા નથી, વેચાણ કરારના કોઇ કાગળો નથી. હવે આ હોવુ તંત્ર ફરજીયાત ગણી રહ્યું છે, આ મામલાએ ચર્ચા જગાવી છે, આ પ૦૦ મીલકત ધારકોની મીલકતો-જગ્યા રામભરોસે જેવી થઇ ગઇ છે, તંત્ર આમાં શું નિર્ણય કરે છે તેની ઉપર મીટ છે.

દરમિયાન આજથી ૪ દિવસ તાલૂકા મામલતદાર શ્રી કથિરીયા, નાયબ મામલતદાર શ્રી વિજય વસાણી તથા તેમની ટીમો દ્વારા કોઠારીયાની ૧૩ જેટલી સોસાયટીના ર૭૦૦ જેટલા આસામીઓની મીલકતોને કાયદેસરતા કરવા અંગે બપોર પછી કેમ્પો શરૂ કરાયા છે, તાલુકા મામલતદાર શ્રી કથિરીયાએ ''અકિલા''ને જણાવેલ કે આજે ૩ સોસાયટી આવરી લેવાશે, આ લોકો પાસે ફોર્મ-ફી ભરાવી-સર્વે-માપણી કરાવ્યા બાદ ફાઇનલ નિર્ણય થશે.

(4:03 pm IST)