Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોન્ટ્રાકટરે રોન કાઢી : ૧૫૦ રીંગ રોડ પરની મોર્ડન હોકર્સ ઝોન યોજના ટલ્લે

કોન્ટ્રાકટરે ઇ.પી.એફ. અને ઇ.એસ.આઇ.સી. રજીસ્ટ્રેશન કરાવ્યુ નહી હોવા છતાં વર્ક ઓર્ડર દેવાયેલ : હવે રિ-ટેન્ડરની સંભાવનાઃ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત થશે : ૨૦.૬૧ લાખના ખર્ચે સુવિધાસભર હોકર્સ ઝોન બનશે : ફૂડ અને ચકરડીવાળાઓને જગ્યા અપાશે

રાજકોટ તા. ૧૫ : શહેરના ૧૫૦ રીંગ રોડ ઉપર અમીન માર્ગના છેડે મોર્ડન હોકર્સ ઝોનની યોજના મંજુર થયાને મહીનાઓ વિતી ગયા છતાં તેની ફાઇલ ધૂળ ખાઇ રહી હતી. દરમિયાન હવે આ ફાઇલની ધૂળ ખંખેરી કામ શરૂ કરવા તંત્ર વાહકોએ તજવીજ હાથ ધરતા આ કામના કોન્ટ્રાકટરનાં ટેન્ડરમાં ક્ષતિઓ બહાર આવી છે. જેના કારણે ફરી યોજના ટલ્લે ચડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ અંગે વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ૧૫૦ રીંગ રોડ પર અમિન માર્ગના છેડે આવેલા ખુલ્લા પ્લોટમાં જ્યાં હાલમાં ચક્કરડી - રેકડી વગેરેનો હોકર્સ ઝોન ચાલુ છે. આ જગ્યાએ ૨૦.૬૧ લાખના ખર્ચે મોર્ડન હોકર્સ ઝોન બનાવવાની યોજના છે. જેનો વર્ક ઓર્ડર અપાઇ ગયો છે. કોરોના કાળને કારણે કામ શરૂ થઇ શકયું નહતું પરંતુ હવે આ હોકર્સ ઝોનનું કામ શરૂ કરવા તજવીજ હાથ ધરતા આ યોજનાના કોન્ટ્રાકટર પાસે નિયમ મુજબ ઇ.પી.એફ. અને ઇ.એસ.આઇ.સી. રજીસ્ટ્રેશન નહી હોવાની વિગતો ખુલ્લી હતી.

આથી હવે નિયમ મુજબ આ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત થાય અથવા બ્લેક લીસ્ટ પણ થઇ શકે. ટુંકમાં કોન્ટ્રાકટરે રોન કાઢતા હવે આ માટે રિ-ટેન્ડર કરી ફરી કોન્ટ્રાકટની કાર્યવાહી થાય ત્યાં સુધી આ યોજના ટલ્લે ચડી ગઇ છે.

નોંધનિય છે કે ૨૦.૬૧ લાખના ખર્ચે બનનાર આ મોર્ડન હોકર્સ ઝોનમાં કમ્પાઉન્ડ વોલ, પેવિંગ બ્લોક, સ્ટ્રકચર ડીઝાઇન, ચકરડી ઝોનમાં ચિલ્ડ્રન પાર્ક અને પે એન્ડ યુઝ ટોઇલેટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. જે શહેરનો સૌ પ્રથમ મોર્ડન હોકર્સ ઝોન બની રહેશે.

હવે ઉકત કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત અથવા બ્લેક લીસ્ટ અંગેનો નિર્ણય મ્યુ. કમિશનર દ્વારા લેવામાં આવ્યા બાદ આ યોજનામાં રિ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. હાલ તુરંત તો યોજના ટલ્લે ચડી છે.

(4:11 pm IST)