Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગઈકાલે આયકર અધિકારી યાદવ બાદ આજે બીજા અધિકારી પટેલનો રીપોર્ટ પોઝીટીવ રેસકોર્ષ ઈન્કમટેકસ ઓફીસમાં કોરોનાનો ઉપાડો : બે દિવસ બંધ

સમગ્ર આયકર ભવનને સેનેટાઈઝ કરવા ગુરૂવાર અને શુક્રવાર બંધ : કર્મચારીઓમાં ફફડાટ : ૧૦ કર્મચારીઓ સેલ્ફ હોમ કવોરન્ટાઈન

રાજકોટ, તા. ૧૫ : છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાત ભારતમાં કોવિડ-૧૯ના કેસમાં જબરો વધારો જોવા મળે છે. ભાગ્યે જ કોઈ વિભાગ બાકી રહ્યા હોય તમામ સ્થળોએ કોરોનાની અસર વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટમાં રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલી આયકર ભવનના બે અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ઇન્કમટેકસ કચેરી રેસકોર્ષમાં બે અધિકારીઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રથમ તેની ઓફીસ બંધ કરી સેનેટાઈઝ કરવામાં આવી હતી. હવે ઈન્કમટેકસનું ખાસ કોવિડ-૧૯ માટે બનાવવામાં આવેલ હેલ્પ ગ્રુપની ભલામણથી હવે તા.૧૬ અને ૧૭ જુલાઈ ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલ ઈન્કમટેકસ કચેરી બંધ રહેશે અને સમગ્ર ઓફીસને સેનેટાઈઝ કરવામાં આવશે.

ઇન્કમટેકસ કમિશ્નર રાજકોટના માર્ગદર્શન તળે હેલ્પ ગ્રુપ બનાવવામાં આવ્યુ છે. કોવિડ-૧૯ને લગતી ખાસ કામગીરી કરી રહી છે. જેમાં ડીસીઆઈટી શ્રી મનીષ અજુડીયા એસીઆઈટી ડો.વસંત રાજપૂત આઈટીઓ જોન થોમસ, મનીષ દાફડા આઇટીઓ, તરૂણ ધીનોજા, આઈટીઆઇ દિપક ભટ્ટ, શ્રી કાન્ત, મુકેશ સોનેજી, સમર્થ જોષી, આરતીબેન પંડ્યા, અરવિંદભાઈ વાઘેલાની હેલ્પગ્રુપે કોવિડ-૧૯ને લગતી કામગીરી કરે છે.

હેલ્પ ગ્રુપની ભલામણને કારણે સમગ્ર  આયકર ભવન રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટને ફુલપ્રુફ સેનેટાઈઝ કરવા બે દિવસ બંધ રાખવાની ભલામણ કરી હતી. જે ઉચ્ચ અધિકારીઓએ સ્વીકારી છે અને આવતીકાલથી ગુરૂવાર અને શુક્રવાર રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ આયકર ભવન કચેરી બંધ રહેશે.  ગઈકાલે આઈટીઓ શ્રી એલ.પી. યાદવનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે આજે આઈટીઓ એન.આર.પટેલનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અધિકારીઓ અને કરદાતાઓ તેમજ અન્ય મુલાકાતીઓ નિર્ભિક બને અને કામ કરી શકે તે માટે સેનેટાઈઝ કરવામાં આવી રહ્યુ છે.

આયકર સૂત્રોએ જણાવ્યુ છે કે કોરોના પોઝીટીવ આવેલા આયકર અધિકારીઓના સંપર્કમાં આવેલા ૧૦ સાથી કર્મચારીઓ અને અધિકારીઓને સેલ્ફ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

(3:14 pm IST)