Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મિલ્કત સંદર્ભે ભાઇને ખુનની ધમકી આપતા ભાઇ-ભાભી વિગેરેના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૧પઃ રાજકોટના મવડી ગામમાં રહેતા સુરેશભાઇ મોહનભાઇ સાગઠીયાએ તેમના મોટાભાઇ-ભાભી તથા અન્ય વ્યકિતઓ સામે પૈસાની લેતી બાબતે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નોંધાયેલ ફરીયાદમાં આરોપીઓએ કરેલ આગોતરા જામીન અરજીને રાજકોટની સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટના મવડી ગામમાં રહેતા સુરેશભાઇ મોહનભાઇ સાગઠીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી હેમંતભાઇ મોહનભાઇ સાગઠીયા, હીનાબેન હેમંતભાઇ સાગઠીયા, ગૌતમભાઇ ઉર્ફે ગૌરવભાઇ મગનભાઇ મકવાણા, શાંતુબેન મગનભાઇ મકવાણા રહે. રાજકોટવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવેલ કે હેમંતભાઇ મોહનભાઇ સાગઠીયા કે જે ફરીયાદીના મોટાભાઇ થતા હોય અને તેને ફરીયાદીએ ભાઇઓ ભાગની મિલ્કતના ભાગ પેટે આપવાની થતી રકમ ન આપતા તા. ર૬/૦૬/ર૦ર૦ના રોજ રાત્રીના દસેક વાગ્યે હેમંતભાઇ તથા તેમના સાળા ગૌરવભાઇ તથા હેમંતભાઇના પત્નિ હીનાબેન તથા હેમંતભાઇના સાસુ શાંતુબેન સહિતનાઓ ઘરે આવી ફરીયાદી સાથે ગાળાગાળી કરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ તેમના પત્નિ સાથે ફીનાઇલ પીતા આરોપીઓ સામે ગુન્હો દાખલ થયેલ હતો.

ત્યારબાદ આ કામના આરોપીઓએ રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા આગોતરા જામીન અરજી કરતા આરોપીઓ/અરજદારોના વકીલ શ્રી કિશન એમ. પટેલની દલીલો તથા સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઓ રજુ કરેલ જે ચુકાદાઓ અને દલીલોને ધ્યાને લઇને સેશન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇ આરોપીઓ/અરજદારો હેમંમતભાઇ મોહનભાઇ સાગઠીયા, હીનાબેન હેમંતભાઇ સાગઠીયા, ગૌતમભાઇ ઉર્ફે ગૌરવભાઇ મગનભાઇ મકવાણા, શાંતુબેન મગનભાઇ મકવાણાને જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ/અરજદારો તરફે રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભુપેન્દ્ર ટી. ગોહેલ રોકાયેલા છે.

(2:53 pm IST)