Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

'તમે સોસાયટી મુકીને જતા રહો'...રૂષીકેશ પાર્કમાં વૃધ્ધ ચેલારામભાઇને ઘરમાં ઘુસી ઘુસ્તાવ્યા

પડોશી જસ્મીન સોનીએ દારૂ પી ખેલ કર્યાનો અને અગાઉ પણ માથાકુટ કર્યાનો વૃધ્ધનો આક્ષેપઃ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી

રાજકોટ તા. ૧૫: રેલનગર રૂષીકેશ પાર્કમાં રહેતાં સિંધી વૃધ્ધને પડોશમાં રહેતાં સોની શખ્સે દારૂ પી ઘરમાં ઘુસી 'તમે આ સોસાયટી મુકીને જતા રહો' તેમ કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર રૂષીકેશ પાર્ક-૧માં રહેતાં ચેલારામ ભોજરાજભાઇ હાસાણી (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી જસ્મીન સોની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ચેલારામભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું નિવૃત જીવન જીવુ છું અને પરિવાર સાથે રહુ છું. ગઇકાલે બપોરે સવા બે વાગ્યા આસપાસ હું ઘરે હતો ત્યારે મારો પોૈત્ર સુરજ (ઉ.૧૧) એકાએક દોડીને ઘરમાં આવ્યો હતો. તેની પાછળ અમારી શેરીમાં રહેતો જસ્મીન સોની દેકાર કરતો ગાળો બોલતો આવ્યો હતો. તેણે 'આ સોસાયટી મુકીને તમે જતાં રહો' તેમ કહી ઝઘડો કર્યો હતો. તે દારૂ પીને આવ્યો હતો. દસેક દિવસ પહેલા પણ તે મારી સાથે અને મારા દિકરા ભાસ્કર સાથે માથાકુટ કરી ગયો હતો. ત્યારે સમાજના આગેવાનોએ મળી સમાધાન કરાવ્યું હતું. આ વખતે ફરીથી ડખ્ખો કરી ઘરમાં આવી મને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેના હાથમાં છરી પણ હતી.

મારા પત્નિ દેવીબેનને છરી બતાવી હતી અને મારવા માટે હાથ પણ ઉગામ્યો હતો. અંતે અમારે ફરિયાદ કરવી પડી છે. તેમ ચેલારામભાઇએ જણાવતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી આરોપી જસ્મીન શાંતિલાલ સતિકુંવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)