Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

નવું એર કૂલર લઇને આવ્યા પછી નવલનગરના જ્યોતિબેને ગળાફાંસો ખાઇ જિંદગી ખતમ કરી

ભાખરીનો લોટ બાંધી રૂમમાં ગયા બાદ મોડે સુધી ન આવતાં અને દરવાજો ન ખોલતાં પતિએ નવેળાની બારીમાંથી ડોકીયુ કરતાં પત્નિ લટકતી દેખાઇઃ માસુમ દિકરો-દિકરી મા વિહોણા

રાજકોટ તા. ૧૫: નવલનગર મેઇન રોડ પર શેરી નં. ૪માં રહેતી જ્યોતિબેન જયેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૨) નામની દરજી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ જ્યોતિબેનને સાંજે આઠેક વાગ્યા બાદ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે તેણીને મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇની પ્રાથમિક પુછતાછમાં તેણીએ ગળાફાંસો ખાઇ લીધાનું પરિવારજનોએ જણાવતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. દિલીપસિંહ જાદવે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરના જ્યોતિબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અગિયાર વર્ષનો દિકરો અને પાંચ વર્ષની દિકરી છે. પતિ જયેશભાઇ કાંતિભાઇ ગોહેલ સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. તેણીના માવતર કોઠારીયા સોલવન્ટમાં રહે છે. પિતાનું નામ ગોરધનભાઇ ધનજીભાઇ ડાભી છે. પતિ વિજયભાઇએ જણાવ્યું હતું કે તેણીને કોઇ તકલીફ નહોતી. પરમ દિવસે જ મારા સાઢુ, સાળી આવ્યા હોઇ જમણવાર કર્યો હતો. બે દિવસથી તે એર કૂલર લેવાની વાત કરતી હોઇ ગઇકાલે સાંજે જ અમે બજારમાં ગયા હતાં અને કૂલર લઇ આવ્યા હતાં. એ પછી તે ભાખરીનો લોટ બાંધી રૂમમાં કપડા બદલવા ગઇ હતી. પણ લાંબો સમય સુધી બહાર ન આવતાં અને દરવાજો પણ ન ખોલતાં નવેળામાં જઇ જોતાં તે લટકતી દેખાતાં દરવાજો તોડી બેભાન હાલતમાં  હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ ડોકટરે મૃત જાહેર કરી હતી. આપઘાતનું કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:31 am IST)