Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજકોટમાં પોલીસે ત્રણ સવારીમાં નીકળેલા યુવાન-સગીરને ફટકાર્યાઃ એક લોહીલુહાણ

કાલાવડમાં માસ્ક ન પહેરનારા વેપારીને પોલીસે બેફામ ફટકાર્યાની ઘટના બાદ : ગાંધીગ્રામના ઋતુ સોલંકીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધીઃ ફરિયાદ ન નોંધાવાઇ

રાજકોટ તા. ૧૫: કાલાવડમાં માસ્ક ન પહેરાનારા બે વેપારીને પોલીસને બેફામ ફટકાર્યાના બનાવમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યાં રાજકોટમાં નાણાવટી ચોકમાં ત્રણ સવારીમાં નીકળેલા એક યુવાન અને સાથેના તેના સગીર મિત્રને પોલીસના નામે અટકાવનારા ત્રણેક જણાએ લાકડીઓ ફટકારતાં એક યુવાનના માથામાંથી લોહી નીકળી ગયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને લાકડીના ઘાથી ઘાયલ થયેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. જો કે આ મામલે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ શ્યામનગર-૩માં રહેતો ઋતુ રમેશભાઇ સોલંકી (ઉ.૧૯) તથા તેનો મિત્ર ચિન્ટુ પરમાર (ઉ.૧૭) અને બીજો મિત્ર રોહન વાઘેલા (ઉ.૧૭) સાંજે બાઇકમાં નાણાવટી ચોક બાપા સિતારામ ચોકમાં વાળ કપાવવા ગયા હતાં. ત્યાંથી પરત ઘર તરફ ત્રણ સવારીમાં જઇ રહ્યા હતાં ત્યારે નાણાવટી ચોક પાસે જ પોલીસ જેવા દેખાતા ત્રણ જણાએ અટકાવતાં ઋતુએ ગભરાઇને બાઇક ભગાવતાં તેને લાકડીથી ફટકારાતાં માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું.

ઋતુના કહેવા મુજબ મને ત્રણ સવારીમાં અટકાવતાં મારી પાસે દંડ માંગશે તેમ લાગ્યું હતું. પરંતુ દંડના પૈસા ન હોઇ મેં બાઇક ભગાવતાં પાછળ દોડીને હુમલો કરાયો હતો. મેં હોસ્પિટલ ચોકીના સ્ટાફને મારી વિગત જણાવી હતી અને સારવાર બાદ રજા લીધી હતી. ઋતુ બ્લોકની ગાડી ઉતારવાનું કામ કરે છે.

(11:31 am IST)