Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયા ભાજપના સભ્ય જ નથી : જિલ્લા એકમનો ધડાકો

પ્રસિધ્ધી માટે બાલીસ નિવેદન કર્યું, કોરોનાના મૃત્યુ આંક પારદર્શક છેઃ ડી.કે.- ભાનુભાઇ

રાજકોટ,તા.૧૫: જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ટીકીટ પરથી ચૂંટાઇને બળવો કર્યા બાદ ભાજપના ટેકાથી રચાયેલી કારોબારી સમિતિના અધ્યક્ષ બનેલા કિશોર પી. પાદરિયા જે તે વખત ભાજપની વિચારાધારા સાથે જોડાયેલા પરંતુ ભાજપના સતાવાર સભ્ય નથી તેવો ધડાકો જિલ્લા ભાજપ એકમે કર્યો છે. કોરોના મૃત્યુઆંક છુપાવાતા હોવાના પાદરિયાના આક્ષેપ બાદ વિવાદ વકર્યો છે.

રાજકોટ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી પાદરીયાએ કોરોનાના મૃત્યુના આંકડા છુપાવાય છે. એવું બાલીશ નિવેદન કરીને કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામ કરતા કોરોના વોરિયરનું મોરલ તોડવાનો સસ્તી પ્રસિધ્ધિના ભાગરૂપે પ્રયત્ન કરેલ છે. જે વખોડવા પાત્ર છે. તેમ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ડિ.કે.સખીયા તથા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ એક સ્પષ્ટ નિવેદન કરતા જણાવેલ છે.

જીલ્લા ભાજપના આગેવાનોએ વધુમાં જણાવેલ કે લોકસભાની ચુંટણી વખતે ભાજપમાં જોડાયાનો દાવો કરનાર શ્રી પાદરીયા આજ દિવસ સુધી ભાજપના પ્રાથમીક સભ્યપદ પણ ધરાવતા નથી. જીલ્લા પંચાયતના આયારામ ગયારામ ને વિવાદો વચ્ચે વિવાદસ્પદ રીતે બની બેઠેલા કારોબારી સમિતિના ચેરમેન પોતાની વ્યકિતગત રીતે આરોગ્ય અધિકારીથી પિડાતા હોય, આવું બાલીશ નિવેદન કરેલ છે.

સરકારનું અને જીલ્લા પંચાયતનું આરોગ્યતંત્ર રાત-દિવસ જોયા વગર કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે અને પ્રજા પણ આરોગ્ય સેવાની સરાહના કરી રહી છે. ત્યારે આવા બાલીશ નિવેદનો દ્વારા શ્રી પાદરીયાએ પોતાની લાલચુ માનસિકતા પુરવાર કરી છે.

આગેવાનોએ વધુમાં જણાવેલ કે, જીલ્લા પંચાયતમાં માહિતી જાણવા માટેનું સાધારણસભાએ લોકશાહી પરંપરા મુજબનું પ્લેટફોર્મ છે. મૃત્યુના બનાવોમાં કાયદેસર નોંધણી અને મૃત્યુનું કારણ દર્શાવવું ફરજીયાત છે. ત્યારે આંકડા છુપાવવાનો કોઇ પ્રશ્ર જ ઉભો થતો નથી. એ સીધી સાદી વાત છે. શ્રી પાદરીયાએ આવા આક્ષેપો કરીને પોતાની રાજકીય બાલીશતાનું ઉદાહરણ પુરૃં પાડેલ છે. તેઓ જીલ્લા ભાજપના રેકોર્ડ ઉપર ભાજપના સભ્ય જ નથી. આજે પણ તેઓ રેકોર્ડ ઉપર કોંગ્રેસના અને લાંચ રૂશ્વત ધારાના આરોપી સભ્ય છે. રાજકોટ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની સેવા અને કામગીરી સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રશંસનીય રહી છે. ત્યારે જવાબદાર આગેવાનોની આવી વર્તણુક વખોડવા લાયક છે.

(11:30 am IST)