Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કાલે હજારો ગુરૂભકતો રણછોડદાસજી બાપુના દિવ્ય દર્શનનો લાભ લેશે : ધૂન - ભજનની રમઝટ બોલશે

નિજ મંદિરમાં વ્હેલી સવારથી દર્શનની વ્યવસ્થા, બપોરે ૧:૩૦ થી ૩:૩૦ સુધી વિરામ

રાજકોટ, તા. ૧૫ : અહિં આશ્રમ રોડ પર આવેલા શ્રી સદ્દગુરૂ સદન પૂજય શ્રી રણછોડદાસજી મહારાજના આશ્રમમાં આવતીકાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રાતઃકાળે સવારે ૫:૩૦ વાગ્યે મંગળાઆરતી, ૯ વાગ્યાથી ૧૧ સુધી સદ્દગુરૂ ભગવાનની શાસ્ત્રોકત વિધિ વિધાનપૂર્વક ષોડષોપચાર પૂજન - અર્ચન વિધિ થશે. જેમાં સ્વાધ્યાય - રામઅર્ચના મંત્રોચ્ચારનો સમાવેશ થશે. ૧૧:૩૦ થી અન્નપૂર્ણા સદ્દગુરૂ મહાપ્રસાદ પ્રતિ વર્ષની જેમ આશ્રમની નજીકના રસોડાના સ્થળે આરંભાશે અને ૨:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. અંદાજિત ૨૫ હજાર ભાઈ - બહેનો બાળકો માટે તૈયારીઓ કરવામાં આવશે.

નીજ મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ દર્શનની ગોઠવણ કરવામાં આવી છે. જે રાત્રીના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરે ૧:૩૦ થી ૩:૩૦ સુધી દર્શન વિરામનું આયોજન છે.

પૂજનવિધિમાં યજમાન તરીકે આગેવાન ધારાશાસ્ત્રીઓ યશવંતભાઈ જસાણી અને પ્રતિકભાઈ જસાણી તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.  ઉલ્લેખનીય છે કે ગત ગુરૂપૂર્ણિમા મહોત્સવના અવસરે પોણો લાખ દર્શનાર્થીઓ અને ૨૫ હજાર ભાવિક ભાઈ - બહેનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો અને મોડી રાત સુધી વિવિધ સેવાઓમાં ભાગ લીધો હતો. શ્રી બીપીન વસાણી અને તેની ટીમે સદ્દગુરૂ - ભજન - કિર્તન અને ગીતોની રમઝટ બોલાવી હતી.

(4:21 pm IST)